ચાંદખેડા ઢોસાકાંડ: બાળકીઓના મોત મામલે પોલીસ તપાસમાં ગોથે ચઢી, હત્યાનું કાવતરું હતું કે અન્ય કારણથી મોત તે રહસ્ય અકબંધ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે હજુ પણ પોલીસ અનેક સવાલોના જવાબો શોધી રહી છે. તો બીજી તરફ બાળકીઓના મોત મામલે પોલીસ પણ તપાસમાં ગોથે ચઢી છે, પરિવારના કોઈ સભ્યો દ્વારા બાળકીની હત્યાનું કાવતરું હતું કે અન્ય કારણથી બાળકીઓના મોત થયા છે તે હજી સાબિત થયું નથી. પરિવારના સભ્યોની પૂછપરછમાં બાળકીઓની હત્યા કરાઈ હોવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. જો રિપોર્ટમાં પણ ચોક્કસ કારણ નહીં આવે તો લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે
માતા-પિતાની કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી
બાળકીઓના માતા-પિતા વિમલભાઈ અને ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગઈકાલે (13મી એપ્રિલ) બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ દરમિયાન માતા-પિતાએ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે ખીરું ખાધા બાદ જ બાળકીઓની તબિયત બગડી હતી અને તેમના મોત થયા હતા. પોલીસને અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ ચોંકાવનારી નવી હકીકત મળી નથી.
FSL રિપોર્ટ બાદ જ ખુલશે મોતનું રહસ્ય
ચાંદખેડા પીઆઈ (PI) એ જણાવ્યું હતું કે, 'આ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો એફએસએલ અને વિશેરા રિપોર્ટ છે, જેને આવતા હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. બાળકીઓના શરીરમાંથી ઝીંક અને એલ્યુમિનિયમ જેવા તત્વો મળ્યા હોવાની વાત છે, જેની સત્તાવાર પુષ્ટિ અહેવાલો આવ્યા બાદ જ થશે. રિપોર્ટ આવ્યા બાદ કેડી હોસ્પિટલના ડોક્ટરોનો પણ અભિપ્રાય લેવામાં આવશે કે જ્યારે બાળકીઓને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેમની સ્થિતિ શું હતી અને કયા પ્રકારની દવાઓ આપવામાં આવી હતી.'

