અમદાવાદ : કાગડાપીઠમાં યુવકની હત્યાના કેસમાં PI એસ.એ. પટેલ સસ્પેન્ડ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં કાગડાપીઠ વિસ્તારમાં ગઈકાલે એક યુવકની તલવારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકેસમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એસ.એ પટેલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે PI એસ.એ પટેલને સસ્પેન્ડ કર્યા છે.
તલવારના ઘા મારીને યુવકની હત્યા
અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે આ હત્યા થઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. કાગડાપીઠ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે ગઇકાલની માથાકુટ ચાલતી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 79 હત્યાની ઘાટનાઓ
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, અપહરણ અને મારામારી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. એક જ મહિનામાં અમદાવાદમાં હત્યાની ઘટનામાં વધારો થતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.
વર્ષ 2024માં અમદાવાદ શહેરમાં 79 હત્યાના ગુના નોંધાયા છે જ્યારે 75 જેટલા ગુનાઓ હત્યાના પ્રયાસના નોંધાયા છે. જે બતાવે છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળેલી છે. વર્ષ 2024ની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 10 ધાડ, 96 લૂંટ, 312 ઘરફોડ, 3150 ચોરી, 51 રાયોટિંગ, 420 ઠગાઇ અને ગુનાહિત વિશ્વાસઘાતની 88 ફરિયાદો નોંધાઇ ચુકી છે. જેમાં 125 જેટલી એટ્રોસિટી, 251 સાયબર ક્રાઇમના ગુના અને 806 પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
વર્ષ 2024માં અમદાવાદ શહેરમાં નોંધાયેલા ગુનાઓની સંખ્યા આટલી બધી હોવા છતાં પણ દરેક મોટી ઘટના બાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક જ વાત વારંવાર રિપીટ કરવામાં આવે છે કે ગુનાખોરી કાબુમાં છે તો પ્રશ્ન એ છે કે શહેર પોલીસ ક્યા ગુનાઓની વાત કરી રહી છે.

