AMC નવી કમિટીઓની જાહેરાત થતાં જ વિપક્ષ આક્રમક, ભાજપ વિરોધી નારેબાજી સાથે સભાનો બહિષ્કાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આજે (25મી જૂન) મળેલી સામાન્ય સભા હોબાળો થયો હતો. મનપાની નવી કમિટીઓના સભ્યોના નામની જાહેરાત થતાંની સાથે જ વિરોધ પક્ષ કોંગ્રેસે મોરચો માંડ્યો હતો. વિવિધ મહત્ત્વની કમિટીઓમાં કોંગ્રેસના કોર્પોરેટરોને સ્થાન ન અપાતા વિપક્ષે ગૃહમાં સત્તાધારી પક્ષ ભાજપ સામે નારેબાજી કરી હતી અને સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યો હતો.
કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપ વિરોધી નારા લગાવ્યા
અમદાવાદ મનપાની આજે કમિટીઓની રચના બાદ મળેલી સામાન્ય સભાની બેઠકમાં વિરોધ પક્ષના નેતા નીરવ બક્ષી દ્વારા કમિટીઓમાં વિપક્ષના સભ્યોને સામેલ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તમામ સ્તરેથી નકારાત્મક વલણ મળતા કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ ભાજપ વિરોધી નારા લગાવીને સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યો હતો.
વિરોધ પક્ષના નેતા નીરવ બક્ષીએ શાસક પક્ષ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 'આજે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરની જનતા સાથે દ્રોહ કર્યો છે. જ્યારે શાસક પક્ષ પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઘોળીને પી જતું હોય અને નાગરિકો હેરાન થતા હોય, ત્યારે વિપક્ષ તરીકે અમે હંમેશા મજબૂત કામગીરી કરીએ છીએ. પરંતુ, અમદાવાદ શહેરની તમામ 17 મહત્ત્વની કમિટીઓમાં જ્યારે નામ જાહેર કરવામાં આવ્યા, ત્યારે તે બધી જ કમિટીઓમાંથી કોંગ્રેસના નામ કાઢી નાખવામાં આવ્યા છે. વિપક્ષ તરીકે અમને કોઈ જ સ્થાન આપવામાં આવ્યું નથી, જે અત્યંત નિંદનીય બાબત છે.'
સત્તા પક્ષના નેતા જશુ ઠાકોરનો વળતો પ્રહાર
કોંગ્રેસના આક્રમક વિરોધ અને વોકઆઉટ પર વળતો પ્રહાર કરતા સત્તા પક્ષ (ભાજપ)ના નેતા જશુ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'વિપક્ષ માત્ર રાજકીય રોટલા શેકવા માટે ખોટો વિરોધ કરી રહ્યો છે. કોંગ્રેસનું કામ માત્ર અને માત્ર વિરોધ કરવાનું જ રહી ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટીઓમાં વિરોધ પક્ષ (વિપક્ષ)ને સ્થાન નહીં આપવાનો આ નકારાત્મક ચીલો ભૂતકાળમાં કોંગ્રેસે જ શરૂ કર્યો હતો.'
ઉલ્લેખનીય છેકે, અમદાવાદ મનપામાં કમિટીઓની જાહેરાતના આજના દિવસે જ્ઞાતિ અને ઝોનના સમીકરણો સેટ કરવાની ચર્ચાઓ વચ્ચે આ રાજકીય વિવાદ સર્જાયો હતો.

