VIDEO: J-થર્ટી જુનિયર્સ વર્લ્ડ ટેનિસ ટૂરના ત્રીજા દિવસે ટુર્નામેન્ટમાં રોમાંચ વધ્યો
જે-થર્ટી જુનિયર્સ વર્લ્ડ ટેનિસ ટૂરના ત્રીજા દિવસે ટુર્નામેન્ટમાં રોમાંચ વધ્યો હતો, જેમાં ટોચના સીડ ધરાવતા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોયઝ કેટેગરીમાં ટોચના સીડ ધરાવતા ઓમ પટેલે ત્રીજા દિવસે પરંજય સિવાચ સામે ૬-૪, ૬-૩થી જીત મેળવીને અણનમ પ્રદર્શન જાળવી રાખ્યું હતું. પટેલે ટુર્નામેન્ટની શરૂઆત અમૃત વત્સ સામે ૬-૩, ૬-૪ની જીત સાથે કરી હતી, અને હવે તેણે સતત ત્રણ જીત હાંસલ કરી છે. તે ટાઇટલના મુખ્ય દાવેદારોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. ગર્લ્સ- એઈટીન અને તેથી ઓછી વય જૂથમાં બીજી સીડ ધરાવતી દિશા કુમારે વધુ એક દમાસદાર પ્રદર્શન કરતા પૂર્વી પટવાને ૬-૩, ૬-૦થી હરાવી હતી. બીજા દિવસે જીયા પંડ્યા સામે ૬-૧, ૬-૧થી મેળવેલી વિજયી શરૂઆત બાદ આ પરિણામે તેના શાનદાર પ્રદર્શનને વધુ મજબૂત બનાવ્યું છે. અન્ય મેચોમાં પાવક ચિતાણિયા, હીત, વ્યોમ શાહ અને ઓજસવીર સિંહે પોતપોતાના મુકાબલા જીતી આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ગર્લ્સ વિભાગમાં તનિષ્કા ભટનાગર અને રિદ્ધિ શિંદેએ રોમાંચક જીત નોંધાવી હતી. આ ટુર્નામેન્ટ હવે ડબલ્સ ઈવેન્ટ્સની શરૂઆત સાથે ક્વાર્ટર ફાઈનલ તબક્કામાં પ્રવેશ કરશે.

