Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Massive fire breaks out in Shyamal area complex, people trapped in gym rescued

VIDEO: Ahmedabad / શ્યામલ વિસ્તારના કોમ્પ્લેક્ષમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં; 30 લોકોનું રેસ્ક્યુ, કોઈ જાનહાનિ નહીં

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં બિલ્ડિંગમાં પાર્ક કરેલા 15 થી 20 વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જોકે, ફાયરના જવાનોએ સમયસૂચકતા વાપરી અંદર ફસાયેલા 30થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે.

App Store

જિમમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ

આગ લાગવાની આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને જિમમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

પાર્કિંગ અને દુકાનોમાં ભારે નુકસાન

આગની જ્વાળાઓ બિલ્ડિંગના નીચેના ભાગ સુધી પ્રસરી જતાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. માત્ર વાહનો જ નહીં, પરંતુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. દુકાનોમાં રાખેલો માલ-સામાન બળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ATMમાં રહેલી રોકડ બળીને ખાખ

આ દુર્ઘટનામાં બિલ્ડિંગમાં આવેલું એક ATM પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આગ એટલી તીવ્ર હતી કે ATM મશીન સહિત તેમાં રહેલી લાખો રૂપિયાની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.