GUJARATની પાલિકાઓમાં ભરતી દરમિયાન પૂર્વ સૈનિકોને અનામત આપવું ફરજિયાત, હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે આપી માહિતી

ગુજરાતના પૂર્વ સૈનિકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ભરતી દરમિયાન પૂર્વ સૈનિકોને અનામત આપવું ફરજિયાત રહેશે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આ માહિતી આપી હતી. સરકારના આદેશ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને અન્ય તમામ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયામાં પૂર્વ સૈનિકોને અનામતનો લાભ આપવામાં આવશે.
રાજ્ય સરકારે તમામ સંબંધિત સત્તાધીશોને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી છે. નવી જોગવાઈ મુજબ વર્ગ-1 અને વર્ગ-2ની સીધી ભરતીમાં પૂર્વ સૈનિકો માટે 1 ટકા અનામત રહેશે. જ્યારે વર્ગ-3ની ભરતીમાં 10 ટકા અને વર્ગ-4ની ભરતીમાં 20 ટકા અનામતનો લાભ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સશસ્ત્ર દળોમાં સેવા આપી નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકોને સરકારી નોકરીમાં વધુ તકો મળશે અને તેમના પુનર્વસનને પણ પ્રોત્સાહન મળશે.

