કેતકી વ્યાસ જેલમાં, હવે નજર સરકારના આગામી પગલાં પર!

ACBએ રિમાન્ડ ન માગ્યા, કેતકી વ્યાસ સાબરમતી જેલમાં; હવે જામીનની તૈયારી!
અમદાવાદમાં ભ્રષ્ટાચારના કેસમાં આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર એટલે કે RAC કેતકી ભાસ્કરભાઈ વ્યાસને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યા છે.
કેતકી વ્યાસ સામે ACB દ્વારા રૂ. 2.29 કરોડથી વધુના અપ્રમાણસર રોકડ વ્યવહારો અને ગેરકાયદેસર સંપત્તિના આક્ષેપો સાથે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધરપકડ બાદ કેતકી વ્યાસને અમદાવાદની સ્પેશિયલ ACB કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, ACB દ્વારા પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. તપાસનો મોટાભાગનો હિસ્સો દસ્તાવેજી પુરાવા આધારિત હોવાથી અને જરૂરી પૂછપરછ તથા સર્ચની કાર્યવાહી પૂર્ણ થઈ હોવાનું ACB તરફથી જણાવાયું હતું.
કેતકી વ્યાસના સીલ કરાયેલા ફ્લેટને તેમની હાજરીમાં ખોલી જરૂરી સર્ચ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. હવે કેસની આગળની તપાસ મુખ્યત્વે દસ્તાવેજી પુરાવાઓના આધારે આગળ વધશે.
આ સમગ્ર મામલે હાઇકોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજી થઈ હતી, પરંતુ રાહત મળી નહોતી. હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ આગામી દિવસોમાં કેતકી વ્યાસ તરફથી નિયમિત જામીન અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.

