VIDEO: AAP પ્રમુખ ઇશુદાન ગઢવીની અટકાયત પર ઈટાલિયા-ચૈતર વસાવાની પ્રતિક્રિયા, ભાજપ સરકાર પર કર્યા આક્ષેપ
દ્વારકાના ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇશુદાન ગઢવી અને કાર્યકર્તાઓ સહિત નેતાઓની અટકાયતને લઇ આપમાં ભારે રોષ છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, આપ નેતા પ્રવિણ રામ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસની કામગીરીને સખત શબ્દોમાં વખોડી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે ગુજરાતની પોલીસ સક્રિય બની આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી રહી છે. ગુજરાતમાં એકસરખા પેટર્નથી FIR નોંધાઈ રહી છે, ઉચ્ચ સ્તરે સૂચનાઓ આપવામાં આવી હોવાની આશંકા ડેડીયાપાડાના ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરાઈ છે.
જેલ ભરો આંદોલન માટે પણ તૈયાર છીએ: ચૈતર વસાવા
AAP કાર્યકરોને પોલીસ દ્વારા ડરાવી-ધમકાવી પાર્ટી છોડવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોઈ મજબૂત આધાર વગર AAP નેતાઓ પર કેસ નોંધી પોલીસ તંત્ર રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. જેલથી નહીં ડરીએ, અન્યાય સામે લડશું, જરૂર પડી તો જેલ ભરો આંદોલન માટે પણ તૈયાર છીએ તેવું ચૈતર વસાવાએ જણાવ્યું છે.
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી ભાજપની સરકાર એટલી હદે ડરી ગઈ છે કે રોજના પાંચ, ચાર અને દસ જેટલા કેસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. ઈસુદાન ગઢવીની ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાજપ ઓફિસમાંથી આદેશ મળ્યા છે કે આમ આદમી પાર્ટીના તમામ લોકોની અટકાયત કરવાની છે.
તેમણે આ ઘટનાને દાદાગીરી અને ગુંડાગીરીની હદ વટાવતી ગણાવી અને જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવીને બેસાડી રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઉપરથી ભાજપના આદેશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવવાની યોજના હોવાનું તેઓએ જણાવ્યું છે.

