ખેડૂતોને સહાય નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર થશે, અમિત ચાવડાએ ધરણાં કાર્યક્રમનું કર્યું એલાન

રાજ્યમાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય ચુકવવા સહિતની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે. ખેડૂતોનો અવાજ ઉઠાવવા કોંગ્રેસ તારીખ 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમો કરશે.
ખેડૂતોના તમામ દેવા માફ થવા જોઈએ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય છે, જ્યારે છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભાજપની સરકાર શાસન કરી રહી છે. ભાજપ સરકારની હંમેશાથી ખેડૂત વિરોધી નીતિ રહી છે, અને ભાજપની બી ટીમની પણ નીતિ રહી છે કે ખેડૂત અને ખેતી બંને બરબાદ થઈ જાય. જો ખેડૂતોને મદદ નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર થશે. કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે ખેડૂતોના તમામ દેવા માફ થવા જોઈએ, અને પાક રક્ષણ માટે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ. કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક વિશેષ પેકેજની જાહેરાત થવી જરૂરી છે.
સરદાર પટેલે ખેડૂતો અને ખેત મજૂરોની હંમેશા ચિંતા કરી
ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસ આખા રાજ્યમાં ધરણા કાર્યક્રમ યોજશે. તારીખ 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમો કરાશે. મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરી ખેડૂતોની માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને 6 નવેમ્બરના રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી આવેદન પત્ર આપવામાં આવશે. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ચાવડાએ જણાવ્યું હતું કે સરદાર પટેલે ખેડૂતો અને ખેત મજૂરોની હંમેશા ચિંતા કરી છે. સરદાર પટેલે કહ્યું હતું કે ખેડૂતોના યોગદાનને કોઈ અવગણી શકે નહીં.

