Ahmedabad news: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

લોક ડાયરા કલાકાર દેવાયત ખવડને ગુજરાત હાઈકોર્ટ હંગામી રાહત આપી છે. ચાંગોદર બબાલ કેસમાં ખવડ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 23 ફેબ્રુઆરી સુધી સરેન્ડર કરવાની તારીખ લંબાવી છે. જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે અરજદાર પ્રખ્યાત નહીં, પરંતુ કુખ્યાત છે અને માથાભારે છે. જે બાદ 9 ફેબ્રુઆરી સુધી ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું, આજે ફરી સુનાવણી થતાં હવે 23 ફેબ્રુઆરી સુધી દેવાયત ખવડની ધરપકડ પર રોક (સરેન્ડર કરવાની તારીખ વધારી) લગાવી દેવામાં આવી છે.
અમદાવાદ કોર્ટે દેવાયત ખવડના શરતી જામીન કર્યા છે રદ
કેસની વિગતોની વાત કરીએ તો દેવાયત ખવડ વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં માથાકૂટની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ધરપકડ થતાં જેલમાં ધકેલાયો હતો, પરંતુ જામીન અરજી કરતાં કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય શરત એ હતી કે તેઓ ફરીથી આવા કોઈ કૃત્યમાં સંડોવાશે નહીં, પણ જામીન મળ્યા બાદ અદાવતમાં તાલાલામાં યુવક પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ અમદાવાદ કોર્ટે દેવાયત ખવડના શરતી જામીન રદ કરી દીધા હતા, જેથી દેવાયત ખવડ તરફથી આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખખડાવવામાં આવ્યા હતા.
દેવાયત ખવડ સામે કુલ 06 ગુના નોંધાયેલા
હાઇકોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત થઈ હતી કે, દેવાયત ખવડ સામે કુલ 06 ગુના નોંધાયેલા છે. જેમાંથી 3 ગુનામાં તે નિર્દોષ છૂટ્યો છે અને બે ગુનામાં સમાધાન થયું છે. જ્યારે એકમાં બાકી છે. હવે ચાંગોદર બબાલ કેસમાં 23 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે નહીં.
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન
ઉલ્લેખનીય છે કે, ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલા બનાવના પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયુ હતું. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં 12 ઓગસ્ટે હુમલો થયો હતો. ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી. જો કે, 28 ડિસેમ્બર બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો.

