મુકેશ દલાલ હાજિર હો! સુરત લોકસભાના સાંસદ સામે ગુજરાત હાઇકોર્ટે કાઢ્યું સમન્સ

સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બિન હરીફ જીતની અરજીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. હવે ગુજરાત હાઇકોર્ટે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું છે.આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
સુરતના સાંસદની મુશ્કેલી વધી
સુરત લોકસભા બેઠક બિન હરીફ જાહેર થઇ હતી. સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિન હરીફ જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઇકોર્ટમાં દાખલ થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે સમન્સ કાઢ્યું છે. સુરત લોકસભા મતક્ષેત્રના ત્રણ મતદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે.
શું હતી ઘટના?
સુરત બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર હતી. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ટેકેદારોની સહી મુદ્દે થયેલા વિવાદ બાદ ફોર્મ રદ થયું હતું. બાકીના ઉમેદવારોએ તેમનાં ફોર્મ પાછાં ખેચી લેતા સુરતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલ્યું હતું. 18મી લોકસભા ચૂંટણીમાં મુકેશ દલાલ દેશના પ્રથમ સાંસદ જાહેર થયા હતા.

