VIDEO: અમદાવાદના સુભાષ બ્રિજની મરામત અને સુરક્ષાને લઈને તંત્રની ઘોર બેદરકારી, જાણો સમગ્ર મામલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના સુભાષ બ્રિજની મરામત અને સુરક્ષાને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.પાંચ મહિના પહેલા જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તે સમયે કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ દ્વારા બ્રિજની સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે બ્રિજનું કેન્ટી લીવર ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.જોકે, નવાઈની બાબત એ છે કે કન્સલ્ટન્ટના આવા ગંભીર અભિપ્રાય છતાં તંત્ર દ્વારા પાંચ મહિના સુધી કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી.રિપોર્ટમાં એક અન્ય ચોંકાવનારો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. બ્રિજના સ્ટ્રક્ચરના બોક્સની વચ્ચે મોટી સંખ્યામાં ચામાચીડિયા હોવાના કારણે તે ભાગની તપાસ થઈ શકી નહોતી. આમ, અધૂરા ઇન્સ્પેક્શન અને ગંભીર ચેતવણી હોવા છતાં તંત્ર દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના નોતરી શકે છે.
અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાના ગંભીર મામલામાં આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે, જેમની સમયસરની ચેતવણીએ અનેક લોકોના જીવ બચાવી લીધા છે.GSTVની ટીમ પપ્પુભાઈ દંતાણી પાસે પહોંચી હતી. પપ્પુભાઈ દંતાણી એ જ વ્યક્તિ છે, જેમણે સૌથી પહેલા બ્રિજ પર પડેલી ગંભીર તિરાડ અંગે કોર્પોરેશનને જાણ કરી હતી. પપ્પુભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ બ્રિજની આસપાસ નાનું-મોટું રિપેરિંગ અને મરામતનું કામ કરે છે, જેના કારણે બ્રિજની સ્થિતિથી તેઓ વાકેફ હતા.

