નળ સરોવર જવાનો પ્લાન હોય તો ખુશખબર! 2 વર્ષ બાદ સરકારે લીધો મોટો નિર્ણય, હવે પ્રવાસીઓની નહીં થાય લૂંટ!

વડોદરાના હરણી તળાવની દુર્ઘટના બાદ નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બંધ પડેલી બોટિંગ પ્રવૃત્તિ હવે ફરી ધમધમતી થશે. રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં મહત્ત્વના ફેરફારો કરીને શિયાળાની આગામી સિઝનમાં પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ માટે બોટિંગ સેવા ફરી શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
પ્રાઈવેટ એજન્સી દ્વારા સંચાલન અને નવો કરાર
વન વિભાગ દ્વારા નળ સરોવરમાં પ્રાઈવેટ એજન્સી મારફતે બોટિંગ એક્ટિવિટી શરૂ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. હવે એજન્સી દ્વારા માત્ર અધિકૃત અને નિર્ધારિત સુરક્ષાના ધોરણો ધરાવતી બોટનો જ ઉપયોગ કરાશે. વન વિભાગ દ્વારા ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરૂઆતમાં નિયત દરે બોટિંગ શરૂ કરાશે.
સ્થાનિક નાવિકોની રોજીરોટી અને લાઈસન્સ સિસ્ટમ
બોટિંગ સેવા બંધ થવાના કારણે નળ સરોવરના 350થી વધુ સ્થાનિક નાવિકો બેરોજગાર થઈ ગયા હતા. હવે વન વિભાગ સ્થાનિક નાવિકોને લાઈસન્સ પદ્ધતિથી આ પ્રવૃત્તિમાં જોડશે, જેથી તેઓ ગુજરાન ચલાવી શકે. જો કે, હાલ બંધ પડેલી આશરે 400 જેટલી જૂની હોડી હવે બિનઉપયોગી થઈ જશે, તેવી ભીતિ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
પ્રવાસીઓને ગેરકાયદે લૂંટમાંથી મુક્તિ મળશે
અગાઉ નળ સરોવર આવતા હજારો પ્રવાસીઓ પાસેથી બોટિંગના મનસ્વી અને પાંચથી દસ હજાર રૂપિયા જેવા જંગી ભાવ વસૂલવાની બનાવ સામાન્ય બની ગયા હતા. નવી સિસ્ટમમાં વન વિભાગ દ્વારા બોટિંગના ચોક્કસ દર નક્કી કરાશે. આ સાથે પક્ષીઓને કોઈ ખલેલ ન પહોંચે તેવી વિશેષ બોટ લાવવા પર પણ વન વિભાગ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
સત્તાવાર મંજૂરી પર સ્થાનિકોની નજર
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નળ સરોવરના કિનારેથી ધરાબલા બેટ સુધીનો સંપૂર્ણ રૂટ સુરક્ષિત હોવા છતાં બે વર્ષથી બોટિંગ બંધ રહેતા સ્થાનિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાયા પછી નવી વ્યવસ્થાનું ચિત્ર સ્પષ્ટ થશે.

