Video: કોટ વિસ્તારમાં તૈયાર કરાયેલા મલ્ટીલેવલ પાર્કિંગને હેરિટેજ લૂક આપો, યુનેસ્કોનો AMCને પત્ર
અમદાવાદના કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર હોવા છતાં લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. યુનેસ્કોએ કોર્પોરેશનને પત્ર લખીને સૂચના આપી છે કે, દાણાપીઠમાં તૈયાર કરાયેલી આ આધુનિક ઇમારતનો આગળનો ભાગ અને કલર હેરિટેજ લુક સાથે સુસંગત હોવો જોઈએ. યુનેસ્કોના આ પત્ર બાદ હવે AMC દ્વારા સેપ્ટને નવી ડિઝાઇન તૈયાર કરવા સોંપવામાં આવી છે.
જૂનું ફાયર સ્ટેશન તોડીને બનાવાયેલું આ પાર્કિંગ પાંચ વર્ષથી વિલંબમાં હતું, જેના કારણે ખર્ચ 52 કરોડથી વધીને 65 કરોડ પર પહોંચ્યો છે. સેપ્ટ દ્વારા ડિઝાઇન આવ્યા બાદ આ કામગીરી કરવામાં આવશે અને તે પૂર્ણ થયા બાદ પાર્કિંગનું લોકાર્પણ થશે.
65 કરોડના ખર્ચે તૈયાર કરાયું ફાયર સ્ટેશન અને મલ્ટી લેવલ પાર્કિંગ
શહેરના મધ્ય ઝોન ખાડિયા વોર્ડમાં આવેલા 80 વર્ષ જૂના દાણાપીઠ ફાયર સ્ટેશન અને 40 વર્ષ જૂના ફાયર સ્ટાફ ક્વાર્ટસને તોડી પાડી નવું ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ અને મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આશરે છ વર્ષ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે ટેન્ડર કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાના કારણે કામગીરી અટકી ગઈ હતી. જૂના કોન્ટ્રાક્ટર દ્વારા વધુ રકમ માંગવામાં આવતા તેનો કોન્ટ્રાક્ટ રદ કરી નવું ટેન્ડર કરવામાં આવ્યું હતું. 65 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદાજિત મૂળ રકમ ૫૦ થી ૫૨ કરોડ આસપાસ હતી જે વધીને ૬૫ કરોડ આસપાસ પહોંચી છે. પાર્કિગમાં ૩૦૩ કાર એમજ ૨૨૨ ટુ વ્હીલર પાર્ક થઈ શકશે.
.

