Ahmedabad News: આર્થિક સંકળામણથી કંટાળી પરિવારના પાંચ સભ્યોનો આપઘાત, દંપતિએ ત્રણેય બાળકોને પણ આપી ઝેરી દવા

આર્થિક સંકળામણ અને માથે દેવુ આ બન્ને બાબતે એક પરિવારનું માળખુ વિખેરી નાખ્યું છે, અમદાવાદ ગ્રામ્યનાં બગોદરામાં રાત્રે દોઢ વાગ્યે એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં આપઘાત કરેલા હાલતમાં મૃતદેહો જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
અમદાવાદ ગ્રામ્યનાં પોલીસ કંટ્રોલ રૂમને શનિવારે રાત્રે દોઢ વાગે આસપાસ એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે બગોદરા બસ સ્ટેન્ડ પાસે એક ઘરમાં પરિવાર સાથે કઈંક અજુગતુ થયું છે, જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જોયુ તો જાણ થઈ કે પરિવારનાં તમામ સભ્યો મૃત હાલતમાં છે. આસપાસ તપાસ કરતા પોલીસને પ્રાથમિક તપાસમાં જાણ થઈ કે આ પરિવારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે.
આપઘાત કરનાર વ્યક્તિમાં 34 વર્ષીય વિપુલભાઈ વાઘેલા, તેની 26 વર્ષની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દિકરી કરીના ઉર્ફે સીમરન, 8 વર્ષનો દિકરો મયુર અને 5 વર્ષની દિકરી પ્રિન્સ હતી. સામુહિક આપઘાતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામનાં મૃતદેહ પીએમ માટે અમદાવાદની સોલા સિવિલ મોકલવામાં આવ્યા હતા.

