VIDEO: "ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અચાનક અમદાવાદમાં! BLO થી લઈને કુલપતિઓ સુધી થશે મોટી બેઠકો, જાણો શું છે પ્લાન?"
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બે દિવસીય કાર્યક્રમો અંતર્ગત ગુજરાતના અમદાવાદ ખાતે પહોંચ્યા છે. શહેરમાં ઉપસ્થિત રહીને તેમણે ગુજરાતની ઐતિહાસિક ભૂમિ અને તેના મહાન વ્યક્તિત્વોને યાદ કરતાં રાજ્યના વિવિધ વર્ગો સાથે આગામી સંવાદ અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી યુગપુરુષ વિભૂતિઓની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ રહ્યું છે. આવા પ્રેરણાદાયી રાજ્યમાં આવીને લોકશાહી સાથે જોડાયેલા પાયાના ઘટકો સાથે સીધો સંવાદ સાધવો અત્યંત મહત્વપૂર્ણ છે.
પોતાના અમદાવાદ પ્રવાસ દરમિયાન તેઓ આજે અને આવતીકાલે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે. જેમાં તેઓ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના સભ્યો ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાની પાયાની કડી સમાન ગુજરાતના નિષ્ઠાવાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સીધી ચર્ચા કરશે. આ ઉપરાંત, યુવા પેઢી અને શિક્ષણ જગતને સાંકળી લેવા માટે યુનિવર્સિટીઓના વાઈસ-ચાન્સલર્સ, કોલેજ-શાળાઓના આચાર્યો તેમજ વિદ્યાર્થીઓ સાથે વિવિધ કાર્યક્રમો યોજીને લોકશાહી અને મતદાન જાગૃતિ અંગે વાર્તાલાપ કરશે.

