નિવૃત્ત IAS પ્રદીપ શર્માને સૌથી મોટો ઝટકો, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ફટકારી 5 વર્ષની સજા

નિવૃત્ત IAS પ્રદીપ શર્માને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વેલસ્પન ગ્રુપની કંપનીને ગેરકાયદે જમીન વેચવાના આરોપસર PMLA કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ સજાનું એલાન કર્યું છે. નિવૃત્ત IAS પ્રદીપ શર્માને અમદાવાદની વિશેષ PMLA કોર્ટે 5 વર્ષ જેલની સજા ફટકારી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા ભોગવી રહ્યા છે તેનાથી ઉપરોક્ત કેસમાં અલગ સજા ભોગવવાની રહેશે. તેમજ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે.
શું છે પ્રદીપ શર્મા મની લોન્ડરિંગ કેસ?
તત્કાલીન કચ્છ કલેકટર પ્રદીપ શર્મા પર વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપી સરકારને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ લાગ્યો હતો. ભ્રષ્ટ્રાચાર કરી કરોડો રૂપિયા ચાઉં કરી અમેરિકામાં રહેતા દીકરા અને દીકરીના ખાતામાં મોકલ્યા હતા. જે બાદ રાજકોટ CID ક્રાઈમ પોલીસ મથકમાં 2010માં ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ PMLA કોર્ટમાં વર્ષ 2016માં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરાવી હતી.
કોણ છે IAS અધિકારી પ્રદીપ શર્મા?
રસાયણશાસ્ત્રમાં સ્નાતક કરી ગુજરાત વહીવટી સેવામાં પરીક્ષા પાસ કરી હતી. 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર નિમાયા હતા. ત્યાર બાદ વર્ષ 1999માં IAS અધિકારી તરીકે પ્રમોશન મળ્યા બાદ જામનગર, ભાવનગર મનપાના કમિશનર રહ્યા હતા. ત્યાર બાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.

