કોમનવેલ્થ ગેમ્સ મુદ્દે કોંગ્રેસનું નિવેદન: ખેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષકોની ભરતી જેવા પાયાના પ્રશ્નો ઉકેલવા જરૂરી

અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઈપણ સાંસદ પોતાના વિસ્તાર માટે મોટા રમતગમતના આયોજનની માંગ કરે તેમાં કંઈ ખોટું નથી, પરંતુ રમતગમતના મૂળભૂત પ્રશ્નો પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
ડો. દોશીએ જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ કોઈપણ રાજ્યના રહેવાસી હોઈ શકે છે, પરંતુ અંતે તે મેડલ દેશના ખાતામાં જ ઉમેરાય છે. ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન સમગ્ર દેશ માટે ગૌરવ અને સન્માનની બાબત છે.
તેમણે દાવો કર્યો કે ગુજરાતને અન્ય કેટલાક રાજ્યોની સરખામણીએ ઓછા મેડલ મળ્યા છે. રાજ્ય સરકાર રમતગમત માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, છતાં રાજ્યની 10 હજારથી વધુ શાળાઓમાં રમતગમત માટે પૂરતા મેદાનો ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં મૂળભૂત મુદ્દાઓને છોડીને અન્ય વિષયો પર ચર્ચા કરવી યોગ્ય નથી.
કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં ખેલાડીઓ માટે જે પ્રકારનું મજબૂત રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, તેવી સુવિધાઓ ગુજરાતમાં પણ ઊભી થવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાય તો તે રાજ્ય માટે ગૌરવની બાબત ગણાશે, પરંતુ સાથે સાથે મેદાનોની સુવિધા, રમતગમતના શિક્ષકોની ભરતી અને ખેલાડીઓને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રશ્નો પણ ઉકેલવા જરૂરી છે.
ડો. દોશીના જણાવ્યા મુજબ, યોગ્ય સુવિધાઓ અને મજબૂત રમતગમતનું વાતાવરણ ઉપલબ્ધ થાય તો જ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારું પ્રદર્શન કરી શકશે.

