VIDEO: ધંધૂકા સિંચાઈ યોજના અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલના 400 કરોડના GRP પાઈપલાઈન કામગીરીમાં ગંભીર ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ જિલ્લાના ધંધૂકા સિંચાઈ યોજના અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલની GRP પાઈપલાઈન કામગીરીમાં આશરે 400 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનરને લેખિતમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આક્ષેપ મુજબ, પ્રોજેક્ટમાં નક્કી કરાયેલી નિર્ધારિત ક્ષમતા કરતા ઓછી ક્ષમતા ધરાવતી અને નબળી ગુણવત્તાની પાઈપોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે. સીએજી (CAG) ના ઓડિટ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટમાં 248 KPA ક્ષમતાને બદલે માત્ર 124 KPA ક્ષમતાવાળી હલકી ગુણવત્તાની પાઈપો વાપરવામાં આવી છે. આ ઉપરાંત, કામગીરીમાં 47.77 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ચૂકવણું કરવામાં આવ્યું હોવા સાથે હજુ સુધી ઉપયોગમાં ન લેવાયેલી પાઈપો પેટે પણ 50.33 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હોવાનું સામે આવ્યું છે. વળી, સ્થળ પર કામ અધૂરું હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ ગંભીર કૌભાંડમાં સંકળાયેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક ફોજદારી તથા ખાતાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

