Ahmedabad: તિરાડ બાદ બંધ સુભાષબ્રિજ પર ઉહાપોહ, તોડવા કે રીપેર કરવા અંગે સીએમઓ કરશે નિર્ણય

અમદાવાદના સુભાષબ્રિજને 25 ડિસેમ્બર સુધી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. બ્રિજ બંધ કરાયા પછી કોઈપણ જાતનું સમારકામ કરાયુ નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ કે, આ પરિસ્થિતિમાં બ્રિજને તોડવો કે તેનુ રીપેરિંગ કરાવવુ તે અંગેનો અંતિમ નિર્ણય સીએમઓ તરફથી કરવામા આવશે. ફેબ્રુઆરી મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ-2030ને લઈને કરોડો રૂપિયાના આયોજન જાહેર થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં બ્રિજને લઈ કોઈ મોટો ઉહાપોહ થાય તેને ધ્યાનમાં લઈ ભાજપ બ્રિજ તોડવાના મૂડમાં નથી. સુભાષબ્રિજને રિપેર કરી તેને રીક્ષા, સ્કૂટર જેવા વાહનો માટે ઉપયોગમા લેવાના વિકલ્પ ઉપર વિચારણા ચાલી રહી છે.
સુભાષ બ્રિજ તોડી પડાશે?
4 ડિસેમ્બરે સુભાષબ્રિજ ઉપર તિરાડ જોવા મળતા તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ કોર્પોરેશન ઉપરાંત એમ પેનલ, આઈઆઈટી રૂરકી, આઈઆઈટી મુંબઈ તેમજ સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઑફ ટેકનોલોજી સહિતની સંસ્થા દ્વારા બ્રિજ ઉપર નદીના ભાગમા વિવિધ પ્રકારનું ઇન્સપેકશન કર્યુ હતું. આ તમામ ઈન્સપેકેશનના રિપોર્ટ સાથે ગાંધીનગર ખાતે પ્રેઝન્ટેશન પણ કરવામા આવ્યુ હતુ. બ્રિજના એક સ્પાનમાં તિરાડ પડી હોવાથી બ્રિજ ઉપરનો કેટલોક ભાગ બેસી જતા 21 દિવસથી ઉપર તમામ અવરજવરને બંધ કરવામા આવી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ રાજય સરકારના આરએન્ડબી વિભાગ સાથે સંપર્કમાં છે. 1973માં બનાવવામા આવેલા આ સુભાષબ્રિજને તોડી પાડવા એક લોબી દ્વારા દબાણ કરાઈ રહ્યુ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. એક વાત એ પણ સામે આવી છે કે, સુભાષબ્રિજ નીચે સાબરમતી નદીનું પાણી રોકવા માટેના દરવાજા પણ આવેલા છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બ્રિજ કેટલા સમય સુધી બંધ રાખવો, તેનું સમારકામ કરવું કે તોડી પાડવો તેનો નિર્ણય હવે સરકાર કરશે.
બ્રિજ ઉપર 1.60 કિ.મી. નવો બ્રિજ બનાવવા વિચારણા
હયાત સુભાષબ્રિજની ઉપર 1.60 કિલોમીટર લાંબો નવો બ્રિજ બનાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. આરટીઓ સર્કલથી શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સુધી આ નવો બ્રિજ બનાવવા વિચારાઈ રહ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા બ્રિજની બે પાંખ પૈકી એક પાંખ પોલીસ સ્ટેડિયમ તરફ ઉતારાશે. આ બ્રિજ તૈયાર થઈ જાય પછી તેના ઉપરથી ભારે વાહનો પસાર કરવામા આવશે.
રબર કમ બેરજ બ્રિજ એપ્રિલ-27 સુધીમાં તૈયાર થઈ જશે
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 367 કરોડથી વધુના ખર્ચથી રબર કમ બેરેજ બ્રિજ બનાવાઈ રહ્યો છે. આ બ્રિજ સાબરમતી અચેરથી કૈમ્પ સદર બજાર સુધીના વિસ્તારોને સાંકળી લેશે. સુભાષ બ્રિજનો ઉપયોગ કરવામાં ન આવે તો પણ 25 થી 30 મિનિટમાં એરપોર્ટ સુધી લોકો સરળતાથી પહોંચી શકશે.
લોકો સોશિયલ મિડીયામાં તૂટી પડે એવો ડર
કોર્પોરેશનની ચૂંટણી અગાઉ હવે થોડો સમય બાકી રહ્યો છે. આ અગાઉ સુભાષબ્રિજ તોડવાનો નિર્ણય કરાય તો તો શહેરીજનો સોશિયલ મિડીયામાં તેમના આક્રોશ સાથે તૂટી પડે તેવો ભાજપના નેતાઓમા અંદરખાને ડર જોવા મળે છે. બીજુ કે સુભાષબ્રિજ અમદાવાદની મેઇન એન્ટ્રીમાં આવેલો છે. આ બાબતથી પણ બ્રિજને લઈ નિર્ણય જાહેર કરવામાં વિલંબ કરાઈ રહયો છે.

