બોપલ વિદ્યાર્થી મર્ડર કેસ : હત્યારા પોલીસકર્મીએ દારૂના કેસમાં બુટલેગર પાસેથી લાખો રૂપિયા પડાવ્યાંની ચર્ચા

Bopal student murder case : બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હત્યારા પોલીસકર્મી વીરેન્દ્રસિંહ પઢેરિયાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન હત્યાની ઘટના બાદ આરોપીએ શું શું કર્યું તે અંગેના ખુલાસાઓ કર્યા છે. આ ઉપરાંત પોલીસ સૂત્રો પાસેથી આ પોલીસકર્મીનો ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યો છે.
દારૂના કેસમાં બુટલેગર પાસેથી લાખો રૂપિયા પડાવ્યાંની ચર્ચા
હત્યારો પોલીસકર્મી વીરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર હતો. નારોલ પોલીસે વર્ષો અગાઉ 300 પેટી વિદેશી દારૂનો કેસ કર્યો હતો જેમાં વિરેન્દ્રસિંહ પઢેરીયા અને તેની ગેંગના લોકો પંજાબ તપાસમાં ગયા હતા, જ્યાં બુટલેગર પાસેથી લાખો રૂપિયા પડાવીને પાછા આવ્યા હતા. આ મામલાની જાણ પંજાબ પોલીસે અમદાવાદ પોલીસને કરતા સ્થાનિક ઉચ્ચ અધિકારીએ વિરેન્દ્રસિંહ પઢેરીયા અને સ્થાનિક પી.આઈનો ઉઘડો લીધો હતો.
નારોલમાં વહીવટદારની ભૂમિકા બાદ વિરેન્દ્રસિંહ પઢેરિયા અમદાવાદ ગ્રામ્યના એક પી.આઈનો પણ વહીવટ સંભાળતો હતો. અમદાવાદ ગ્રામ્યની હદમાં કોલસેન્ટર ચલાવતા ઝડપાયા બાદ હત્યારા પોલીસકર્મીએ પંજાબ અને રાજસ્થાનમાં કોલ સેન્ટર શરુ કર્યા હતા. હત્યારો આરોપી હમેશાં તેની ગાડીમાં ચાકુ, હોકી અને બેઝબોલ જેવા હથિયારો રાખતો હતો.
હત્યા કર્યા બાદ ઘરે જઈને પાછો ઘટનાસ્થળે આવો હતો
આરોપી પોલીસકર્મી હત્યાને અંજામ આપ્યા બાદ તેના ઘરે જઈને જમીને પોલીસ સ્ટેશન તથા ઘટના સ્થળે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યો હતો. મિત્રને ફોન કરીને તેની ગાડી લઈને પંજાબ જવા રવાના થયો હતો. બોપલમાં હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પોલીસકર્મી ઘરે જઈને જમ્યો ત્યારબાદ ઘટના સ્થળે પરિસ્થતિ જોવા પણ ગયો અને ત્યાંથી બોપલ પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પણ ગયો હતો.
રી-કન્સ્ટ્રકશન દરમિયાન લંગડાતા ચાલવું અને રડવું એ બધુ નાટક હતું?
હત્યારા પોલીસકર્મી વીરેન્દ્રસિંહને ગઈકાલે પોલીસ ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રકશન કરવા લઈને પહોંચી હતી. આ દરમિયાન આરોપીની પોલીસે ખુબ સરભરા કરી હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે રી-કન્સ્ટ્રકશન દરમિયાન તે લંગડાતા ચાલતો હતો, ઉપરાંત ઘટનાસ્થળે આવીને રડવા પણ લાગ્યો હતો. જો કે રી-કન્સ્ટ્રકશન કરતા પહેલા આરોપીને લંગડાતા ચાલવાનું છે એવું કહેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પોલીસ વિભાગમાં વહેતી થઇ છે.

