રાજ્યમાં BJPએ કોંગ્રેસનો ઠેર ઠેર કર્યો વિરોધ, અમદાવાદ ભાજપ યુવા મોરચા પ્રમુખે ભાંગરો વાટ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીર્ટમાં દાખલ કરવાંમાં આવતા સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. અમદાવાદ પ્રદેશ ભાજપ યુવા અને શહેર BJP દ્વારા આજે કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ટાઉન હોલ ખાતે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહની અધ્યક્ષતામાં કાર્યકમ યોજાયો હતો. કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપના શહેરના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ વિરોધના નારાઓ લગાવી અને વિવિધ બેનરો સાથે વિરોધ કર્યો હતો. પરંતુ મોટા ઉપાડે વિરોધ કરવા આવેલા શહેર યુવા પ્રમુખને એ ખ્યાલ નથી કે નેશનલ હેરાલ્ડ કેસ શું છે. યુવા પ્રમુખના હિસાબે રાહુલ અને સોનિયા ગાંધી દોષિત છે જ્યારે સમગ્ર કેસમાં માત્ર ચાર્જશીટ દાખલ થઈ છે.
એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના હાથ ભ્રષ્ટાચાર સાથે છે. જે ફરી એક વાર સાબિત થયું છે. કોંગ્રેસના સુપ્રીમો સામે જે ચાર્જશીટ થઈ તે જ બતાવે છે કોંગ્રેસ ભ્રષ્ટાચાર સાથે છે અને રહેવાની છે. દેશની પ્રજા જાણે છે કે કોંગ્રેસ કેટલી હદે ભ્રષ્ટાચાર કરે છે.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વિરોધ કાર્યક્રમ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીર્ટમાં દાખલ કરાતા ભરુચ ભાજપ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે સમયસૂચકતા દાખવી પૂતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો છે.
જણાવી દઈએ કે, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીર્ટમાં દાખલ કરાતા ભરુચ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીની આગેવાનીમાં વિરુદ્ધ પ્રદર્શન કરવા સાથે પૂતળા દહન કરવાનો પ્રયાસ કરાતા પોલીસે જપ્ત કરી લઈ નિષ્ફળ બનાવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય સામે હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર કરી કાયદાકીય રીતે કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા ભાજપ પ્રમુખ ઋત્વિક પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ડભોઈ ભાજપ યુવા મોરચાનો વિરોધ
નેશનલ હેરાલ્ડ કેશ મામલે ડભોઇમાં ભાજપ યુવા મોરચા દ્વારા દેખાવ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી પરિવાર દ્વારા કરોડોના કૌભાંડ દ્વારા દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરાયું છે. ડભોઇ એપીએમસી નજીક આંબેડકર ચોક ખાતે યુવા મોરચા સહિત ભાજપ કાર્યકર્તાઓએ એકત્રિત થઈ દેખાવો કર્યો હતો. ગાંધી પરિવાર અને કોંગ્રેસનું પૂતળા દહન કરાય તે પહેલા જ પોલીસે અટકાવી પુતળા જપ્ત કર્યા હતા. ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ તેમજ ગાંધી પરિવાર વિરુદ્ધ સૂત્રોચાર કરાયા હતા.

