રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય દિવસના આમંત્રણમાં અમદાવાદના NIDની કલાત્મક છાપ, 4 રાજ્યોની લોકકળાથી તૈયાર કરાઈ વિશેષ કિટ

અમદાવાદ: દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા વિશેષ સમારોહ માટે તૈયાર કરવામાં આવેલી આમંત્રણ કિટમાં અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)એ પોતાની સર્જનાત્મક અને કલાત્મક છાપ છોડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલડી સ્થિત NID અમદાવાદે સ્વાતંત્ર્ય દિવસ માટે વિશેષ આમંત્રણ કિટ ડિઝાઇન કરી છે, જેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
આ વર્ષે તૈયાર કરાયેલી આમંત્રણ કિટમાં છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની પરંપરાગત લોકકળાઓ અને હસ્તકલાને સ્થાન આપવામાં આવ્યું છે. આમંત્રણ કિટ માત્ર એક નિમંત્રણ નહીં પરંતુ ભારતની વિવિધતા, કારીગરોની કુશળતા અને સ્થાનિક પરંપરાઓને ઉજાગર કરતું સર્જન બની છે.
NID અમદાવાદના ડિરેક્ટર ડૉ. અશોક મોન્ડલના નેતૃત્વમાં તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટ સાથે 220થી વધુ લોકો જોડાયા હતા. દેશના વિવિધ રાજ્યોના લગભગ 100 કારીગરોએ NIDની ટીમ સાથે મળીને આ વિશેષ કિટ તૈયાર કરી છે.
કિટમાં છત્તીસગઢના બસ્તર વિસ્તારની પ્રખ્યાત ધોકરા અને લોહ શિલ્પ કળાને સ્થાન આપવામાં આવ્યું છે. ગોવાની પ્રસિદ્ધ અઝુલેજો ટાઇલ કળા દ્વારા ખાઝાન લેન્ડ્સની અનોખી કહાની રજૂ કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશની લોકપ્રિય ભીલ કળા દ્વારા બીજ સંરક્ષણની પરંપરાને દર્શાવવામાં આવી છે. મહારાષ્ટ્રની જાણીતી વારલી કળા દ્વારા ખામ નદીના પુનઃસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત કિટમાં મધ્યપ્રદેશના બાઘ ટેક્સટાઇલ, કાવિ આર્ટ તેમજ મહેશ્વરના હેન્ડવૂવન સેરેમોનિયલ સ્ટોલ જેવા હસ્તકલા ઉત્પાદનોને પણ સામેલ કરવામાં આવ્યા છે, જે દેશની પરંપરાગત કળા અને કારીગરોની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરે છે.
NID અમદાવાદ દ્વારા તૈયાર કરાયેલી આ આમંત્રણ કિટ રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય દિવસ સમારોહને માત્ર ભવ્યતા જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક એકતા અને વિવિધતાનો જીવંત પરિચય પણ કરાવે છે. આ સર્જન દેશના પરંપરાગત કારીગરો અને લોકકળાઓને સમર્પિત એક અનોખી શ્રદ્ધાંજલિ સમાન છે.

