ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર છે અને છેલ્લા ઘણાં મહિનાથી ફરાર હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાર્તિક ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાંથી ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ તે દુબઇ ગયો હતો અને દુબઇથી અમદાવાદ આવતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડથી બચવા કરી હતી આગોતરા જામીન અરજી
કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જમાઇ મારફતે કરેલી આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ખ્યાતિકાંડના બધા આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
એન્જિયોગ્રાફી બાદ બે દર્દીના મોત બાદ થયો હતો વિવાદ
અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડી ખાતે 10 નવેમ્બર 2024ના રોજ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રી સારવાર બાદ અમદાવાદમાં સારવાર કરાવવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે બાદ દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો

