World TB day: ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 વ્યક્તિઓ ગુમાવે છે જીવ, ત્રણ વર્ષમાં 18 હજારથી વધુના મોત

કોરોના વાયરસની સાથે ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા પણચિંતાજનક છે. ગુજરાતમાં એક વર્ષમાં 5700થી વધુ વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 16 વ્યક્તિ ટીબીને કારણે જીવન ગુમાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ ગુજરાતમાં 18 હજારથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે. આજે ‘વિશ્વ ટીબી દિવસ’ છે ત્યારે ટીબીની આ વધતી જતી ઘાતકતા ચિંતાજનક છે.
છેલ્લા બે વર્ષમાં જ ટીબીના કેસમાં 25 ટકાનો વધારો
ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis)ના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી 23 માર્ચ દરમિયાન જ ટીબીના 22095 કેસ સરકારી હોસ્પિટલમાં જ્યારે 10434 કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં આ વર્ષે ટીબીના દરરોજના સરેરાશ 399 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં જ ટીબીના કેસમાં 25 ટકાનો વધારો થયાનું સામે આવ્યું છે. ટીબીના દર્દીઓની સંખ્યા વધીને 1,44,715 થઈ હતી. વર્ષ 2022ના અંતે ટીબીના કુલ દર્દીઓ 1,51,912 નોંધાયા હતા. એમ, બે વર્ષમાં રાજ્યમાં ટીબીના દર્દીઓમાં 25 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી ગુજરાતમાં ટીબીના કુલ 1,25,786 દર્દી હતા. આ મુજબ ગત વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં જ 26126 દર્દીઓ નોંધાયા હોવાનું લોકસભાના અહેવાલ પરથી સામે આવે છે.
ટીબીના સૌથી વધુ કેસ હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે
ગત વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5.22 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 2.34 લાખ સાથે બીજા, મધ્ય પ્રદેશ 1.86 લાખ સાથે ત્રીજા, રાજસ્થાન 1.69 લાખ સાથે ચોથા, બિહાર 1.61 લાખ સાથે પાંચમાં જ્યારે ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ગુજરાતમાં ટીબીથી વર્ષ 2020માં 6870, વર્ષ 2021માં 5472 અને વર્ષ 2022મા 5764ના ટીબીથી મૃત્યુ થયા છે. આમ, ત્રણ વર્ષમાં 18 હજારથી વધુએ જીવ ગુમાવ્યો હતો.

