અમદાવાદ : આયુષ્માન વયવંદના કાર્ડ કાઢવામાં ધારાસભ્યોની નબળી કામગીરી અંગે અમિત શાહે કરી ટકોર

ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ભાજપનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ ઘાટલોડિયામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાના ધારાસભ્યોની આયુષ્માન વયવંદના કાર્ડ અંગે નબળી કામગીરી અંગે ટકોર કરી હતી.
માત્ર ઘાટલોડિયામાં સારું કામ થયું - અમિત શાહ
આયુષ્માન વયવંદના કાર્ડ અંગે અમિત શાહે કહ્યું કે ગાંધીનગર લોકસભામાં આવતી ઘાટલોડિયા વિધાનસભા એટલે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં જ આયુષ્માન વયવંદના કાર્ડનું કામ સારું થયું છે, અન્ય ગાંધીનગર લોકસભાની અન્ય વિધાનસભાના ધારાભ્યોની નબળી કામગીરી રહી છે. તેમણે આ ધારાસભ્યોને ટકોર કરી હતી.
તેમણે કહ્યું કે PM મોદી આયુષ્માન કાર્ડની મહત્વની યોજના લાવ્યા છે. ગાંધીનગર લોકસભામાં 70 વર્ષથી વધુ વયના 1 લાખ 85 હાજર મતદારો છે. તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ પાસે મતદાર યાદી પહોંચી ચૂકી છે. 70 વર્ષથી વધુ વયનું કોઈ રહી ન જાય તે જોજો. તેમણે ધારાસભ્યો, પદાધિકારીઓને આયુષ્માન વય વંદનાકાર્ડ માટે કેમ્પ કરવા પણ સૂચના આપી. આ સાથે તેમણે કહ્યું કે આજે કાર્ડને લઈને કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ મારા ધ્યાન પર મૂકાઈ છે જેનું એક બે દિવસમાં નિવારણ આવી જશે.

