ઈંધણ વિકલ્પ: AMCનો મોટો નિર્ણય, પશુઓના છાણમાંથી બનાવેલી સ્ટીક અને છાણાંનું કરાશે વિતરણ

વૈશ્વિક સ્તરે યુધ્ધના વાતાવરણની વચ્ચે દેશની સાથે અમદાવાદમા પણ બળતણની તંગીના એંધાણ શરુ થયા છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા એક હજાર કિલો છાણ સ્ટીક અને છાણાંનુ વિતરણ ઈંધણ વિકલ્પના રુપમા શરુ કરવામા આવ્યુ છે.વિવિધ વિસ્તારમા આવેલ હોસ્ટેલ,કેન્ટિન ઉપરાંત કોમ્યુનિટી કીટન તથા નાના એકમોને અત્યારસુધીમા ૩૫૦ કિલોગ્રામ જથ્થો પુરો પાડવામા આવ્યો છે.જેનો કોઈ ચાર્જ વસૂલ કરવામા આવ્યો નથી.જયાં સામૂહીક રસોડા ચાલે છે તેવા એકમોને અગ્રિમતા અપાશે.
દાણીલીમડા અને બાકરોલ ખાતે 930 જેટલા ગાય સહિતના અન્ય પશુઓ ઢોરડબામાં રાખવામા આવ્યા છે. આ પશુઓ દ્વારા દૈનિક 3800 કિલોથી વધુ જનરેટ થતા છાણ,ઘાસ અને ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી છાણાં,સ્ટીક, ખાતર અને બાયોગેસ બનાવવામા આવે છે. સી.એન.સી.ડી. વિભાગના નરેશ રાજપૂતે કહયુ, વર્તમાન સમયમા જે પ્રકારે આપત્તિ આવી પડી છે તેને ધ્યાનમા લઈ શહેરના કાલુપુર સહિતના અન્ય વિસ્તારમાં વિભાગ તરફથી જયાં સામૂહીક રસોડા ચાલે છે તેમને સંપર્ક કરી વૈદિક હોળી માટે તૈયાર કરેલી કીટ તેમને મોકલી આપવામા આવી છે.
છાણાંના ઉપયોગ અંગે ઈન્કવાયરી
આ કીટમાં દસ છાણાં ઉપરાંત છાણ સ્ટીક તથા ઘાસના વેસ્ટનો સમાવેશ થાય છે.ચા-કોફી બનાવતા નાના એકમો, રેસ્ટોરન્ટ,ઢાબા કે પછી કોમર્શિયલ એકમો જયાં ચુલામાં રસોઈ બનાવવા વરાળ જનરેટ કરવા લાકડાનો કે ગેસનો ઉપયોગ થાય છે તેવા એકમો તરફથી છાણ સ્ટીક અને છાણાંના ઉપયોગ અંગે ઈન્કવાયરી આવી હતી.આ એકમો હાલ આ કીટનો ઉપયોગ કરી તેમની ભવિષ્યની જરુરીયાત જણાવશે તો એ દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને મદદરુપ થવા પ્રયાસ કરવામા આવશે.

