Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC's big decision regarding lighting Holi

હોળી પ્રગટાવવાને લઈ AMCનો મોટો નિર્ણય, રોડને નુકસાનથી બચાવવા કોર્પોરેશન આપશે મફત ઈંટો અને રેતી

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2025
લાઇવ ટીવીGoogle News
હોળી પ્રગટાવવાને લઈ AMCનો મોટો નિર્ણય, રોડને નુકસાનથી બચાવવા કોર્પોરેશન આપશે મફત ઈંટો અને રેતી

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે સોસાયટીની બહાર તેમજ રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, રોડ પર હોલિકા દહનના કારણે રોડને નુકસાન પહોંચે છે. તેથી રોડ પર હોળી પ્રગટાવતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે.

App Store

રોડને નુકસાન ન થાય તે માટે બનાવ્યો નિયમ

આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, હોળીના તહેવાર દરમિયાન શહેરમાં ઠેર-ઠેર હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. જેમાં લોકો રોડ ઉપર લાકડાં-છાણા વગેરે ગોઠવી હોળી પ્રગટાવતા હોય છે. જેની પ્રચંડ ગરમીથી રોડનો ડામર પીગળી જતો હોય છે અને તેના કારણે રોડ ઉપર ખાડા પડી જતા હોય છે અને નાગરિકોને અસુવિધાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે કોર્પોરેશને વર્ષો પહેલાં હોળી પ્રગટાવતા પહેલાં રોડ ઉપર રેતી પાથરવાનો પ્રયોગ શરુ કરાવ્યો હતો. જેનાથી આગળ વધીને નાગરિકોએ ઈંટો અને રેતી બંને વાપરવાનો નિર્ણય લીધો છે.

ક્યાંથી મળશે રેતી અને ઈંટ?

અ.મ્યુ.કો.ના નિયમાનુસાર, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટ અને રેતી આપવામાં આવશે. હોળી પ્રગટાવતા પહેલાં રોડ ઉપર આ ઈંટ અને રેતી પાથરવાની રહેશે. આ પ્રકારે હોલિકા દહનથી રોડને થતું નુકસાન અટકાવી શકાય છે. નોંધનીય છે કે, આ રેતી અને ઈંટ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરા પાડવામાં આવશે. જે પ્રમાણે સોસાયટી દ્વારા માંગ કરવામાં આવશે તે પ્રમાણે તેમને રેતી-ઈંટોનો જથ્થો પૂરો પાડવામાં આવશે. જેના માટે સોસાયટી તરફથી કોર્પોરેટરો અથવા વોર્ડ ઑફિસમાં અરજી કરવાની રહેશે. બાદમાં તેમને વિનામૂલ્યે રેતી અને ઈંટ આપવામાં આવશે.

અહીં મળશે ગાયના છાણા અને સ્ટીક

આ સિવાય પર્યાવરણની જાળવણી માટે નાગરિકો હોળી પ્રગટાવવા માટે લાકડાનો ઉપયોગ ઘટે તે હેતુથી કોર્પોરેશન સંચાલિત ઢોરવાડા પૈકી દાણીલીમડા સ્થિત કરુણામંદિર ખાતે ગાયોના છાણમાંથી છાણા અને સ્ટીક સહિતની જુદી-જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવી રહી છે. જે કોઈ નાગરિકો પર હોળી પ્રગટાવવા માટે છાણા અને સ્ટીકનો ઉપયોગ કરવા માંગતા હોય તેમને કરુણા મંદિર ખાતેથી લઈ જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

હોલિકા દહનનું શુભ મૂહુર્ત

ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની 13 માર્ચ (ગુરુવારે) હોળીનો પર્વ ઉજવવામાં આવશે. હોલિકા દહનનું શુભ મૂહુર્ત 13 માર્ચ બપોરે 11:26થી 12:30 સુધીનું રહેશે. હોલિકા દહનનો કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે.