VIDEO : સેવન્થ ડે સ્કૂલ કેમ્પસ વિવાદ, AMC દ્વારા મેનેજમેન્ટને નોટિસ આપી સુનાવણી માટે હાજર કરાશે
અમદાવાદની બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાસ્પદ બની છે. આ સ્કૂલની જગ્યા પણ AMC હસ્તકની છે. AMCએ સ્કૂલ મેનેજમેન્ટને 99 વર્ષના ભાડાપટ્ટે જગ્યા આપી હતી. જેમાં કરારભંગ થયો હોઈ સ્કૂલને શો કોઝ નોટિસ પાઠવી હતી. સ્કૂલ મેનેજમેન્ટે હાઈકોર્ટમાં કરેલી પિટીશન પણ થોડા સમય પહેલા પાછી ખેંચી છે. ત્યારે હવે AMCમાં સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને બોલાવવામાં આવશે.
મણિનગર પૂર્વમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ બિલ્ડિંગ જગ્યા બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. હવે આ બાબતે DyMC અથવા તેનાથી ઉપરના અધિકારી જગ્યા બાબતે હિયરિંગ કરશે. સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપી જરૂરી કાગળો સાથે સુનાવણી માટે બોલાવાશે.
જણાવી દઈએ કે, અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો હતો.શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવતા ખાનગી શાળા સંચાલકોમાં ખળભળાટ મચી ગયો હતો. જણાવી દઈએ કે, સેવેન્થ ડે સ્કૂલની બહાર વિદ્યાર્થીની હત્યા થઈ હતી, ત્યારથી સ્કૂલ રડારમાં છે. ત્યારે હવે તપાસ સમિતિના અહેવાલ બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શાળાની વિવિધ અનિયમિતતા ટાંકીને નિર્ણય લેવાયો હતો.
નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થીઓને રાહત
DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. હવે પછી આ સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં. પરંતુ આ નિર્ણયથી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં. તેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે.

