VIDEO: AMCએ થ્રી-ડી ડિજિટલ મેપ તૈયાર કરવા માટે 240 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો
આગામી દિવસોમાં અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરનો GIS ડેટાબેઝ અને 3D ડિજિટલ મેપ તૈયાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા 240 કરોડના ખર્ચે દેશની મેસર્સ જિનેસિસ ઈન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને આ માટેનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. ઈ-ગવર્નન્સ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પરમારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત 625 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડ્રોન અને અત્યાધુનિક વાન મારફતે સર્વે કરી 3D ડિજિટલ મેપ અને સ્ટ્રીટ વ્યુ તૈયાર કરાશે. જેમાં જમીન, મિલકતો અને વર્ષો જૂની ભૂગર્ભ યુટિલિટીઝ જેવી કે પાણી, ગટર, વરસાદી લાઈનો તથા કેબલ્સના ચોક્કસ સ્થાન અને ઊંડાઈનું મેપિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરની 25 લાખ જેટલી મિલકતોનો સર્વે કરી સ્પેશિયલ મોબાઈલ એપ દ્વારા જિયો-કોડિંગ અને ડિજિટલ ડોર આઈડી આપવામાં આવશે. જેનાથી ટેક્સ આકારણીમાંથી બાકી રહી ગયેલી મિલકતો શોધી શકાશે અને કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સની આવકમાં મોટો વધારો થશે.

