Ahmedabad news: તમામ શાળાઓ આવતીકાલે રાબેતા મુજબ ચાલુ રહેશે, બોમ્બની ધમકી બાદ DEOનો આદેશ

અમદાવાદની તમામ શાળાઓ આવતીકાલે રાબેતા મુજબ ચાલુ રાખવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે. DEO દ્વારા શાળાઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિયમિત રીતે ચાલુ રાખી, શાળાઓમાં કોઈપણ પ્રકારનો ભય અથવા અફવા ન ફેલાય તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવી.
ભય અથવા અફવા ન ફેલાય તે જરૂરી
અમદાવાદ શહેરની કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યાના અહેવાલોને પગલે આજે વાલીઓમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી. અનેક વાલીઓને શાળાઓ તરફથી મેસેજ મળ્યા હતા કે તેઓ તેમના બાળકોને વહેલા ઘરે લઈ જાય, જેના કારણે સ્કૂલો બહાર વાલીઓની ભીડ જામી હતી, ત્યારે આ અંગે અમદાવાદ ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપતા કહ્યું છે કે અમદાવાદની તમામ શાળાઓ આવતીકાલે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ડરનું વાતાવરણ ન સર્જાય તે માટે શાળા વહીવટી તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે.

