VIDEO: અમદાવાદ પૂર્વમાં હાટકેશ્વર સર્કલ તળાવમાં ફેરવાયું, 2 કલાકના ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર
અમદાવાદમાં સતત 2 કલાકના ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાટકેશ્વર સર્કલ જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાટકેશ્વર ઉપરાંત સીટીએમ, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામ
ભારે વરસાદના કારણે પૂર્વ અમદાવાદના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. હાટકેશ્વર સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.
ખોખરા હાઉસિંગ બોર્ડમાં ઘરો સુધી પહોંચ્યું પાણી
ખોખરા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી જતા સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
પાણીના નિકાલને લઈને સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભારે વરસાદ બાદ પાણીના નિકાલ માટે પૂરતી કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે

