Ahmedabad news: સાબરમતી રિવર ક્રૂઝ બંધ થવાની કગાર પર, રિવરફ્રન્ટનો ચોથો પ્રોજક્ટ પણ થશે ફેલ

ગુજરાતના અમદાવાદનું આકર્ષણ ગણાતી રિવર ક્રૂઝ પર સંકટના વાદળો છવાયા છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ પર વર્ષ 2023માં શરૂ થયેલી રિવર ક્રૂઝ બંધ થવાના આરે છે. ઉલ્લેખનીય છે કે સાબરમતીમાં નદીમાં પાણી ઘટવાથી છેલ્લા બે મહિનામાં ક્યારેક ચાલુ, તો ક્યારેક બંધ રહેતા આ પ્રોજેક્ટને ચલાવનાર અક્ષર ગ્રુપને 3થી સાડા ત્રણ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
સંચાલક અંદાજીત ચૂકવે છે 65 લાખ
લોકપ્રિય રિવર ક્રૂઝ પ્રોજેક્ટને જીવંત રાખવા માટે દર વર્ષે સંચાલક AMCને અંદાજીત રૂ. 65 લાખ ચૂકવે છે. છતાં પાણીના સ્તર અંગે ઉકેલ ન આવતા આ રોકાણ બેકાર જાય તેવા સંજોગો ઉભા થયા છે.
ક્રૂઝ 3થી 4 મહિના બંધ
અક્ષર ટ્રાવેલ્સના સુહાગ મોદીએ જણાવ્યું કે,નદીનું પાણી ઘટવાથી ટેકનિકલ સમસ્યાઓને કારણે ક્રૂઝ બંધ રહે છે. તેમણે સરકાર પાસે સહકારની માંગણી કરી છે. ક્રૂઝ 3થી 4 મહિના બંધ છે. તો બીજી તરફ આ મામલે અક્ષર ગ્રુપના સંચાલક AMCને જે ભાડું દર મહિને ચૂકવે છે તેને માફ કરવાની રજૂઆત કરી છે.
અક્ષર ગ્રુપના સંચાલકે ભાડું માફ કરવાની અરજી કરી
ભાડું માફ કરવાની રજુઆત પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કરી છે. ચોમાસામાં નદીનું લેવલ ઘટે ત્યારે ક્રૂઝ બંધ કરવું પડે છે, જેનાથી આ પ્રોજેક્ટ ચોથો નિષ્ફળ પ્રોજેક્ટ બનવાની ભીતિ છે.

