AHMEDABAD / બાપુનગર પોલીસ સ્ટેશનના PSI સહિત અન્ય પોલીસકર્મીઓ પર હુમલો, ચાર સામે નોંધાઈ ફરિયાદ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે. પોલીસના ડરની વાત તો દૂર, હવે પોલીસ કાફલા પર હુમલાની ઘટના ઘટી છે. બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના PSI સહિત અન્ય પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જેમાં પથ્થરમારો કરી પોલીસ વાનનો કાચ તોડી નાંખ્યો અને ગાડીના દરવાજાને પણ નુકસાન પહોચાડ્યું છે. પોલીસે આ ઘટનામાં ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે.
ગઈકાલે 26 માર્ચે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનના PSI ડી.ડી.પ્રજાપતિ, AHC પ્રભાતસિંહ પ્રતાપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ભીખુભા, હોમગાર્ડ વિકાસ શાહ બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે નાઈટ પેટ્ર્લિંગમાં હતા. આ દરમિયાન સાતથી આઠ લોકોનું ટોળું રસ્તા પર ઉભું હતું. જેથી પોલીસે આ તમામને ઘરે જતા રહેવાનું કહ્યું હતું.
આ દરમિયાન ટોળામાં રહેલા ફઝલ ફરીદ અહેમદ શેખ અને મહેફુઝે બુમાબુમ કરી હતી અને પોલીસને બિભસ્ત ગાળો આપી હતી. પોલીસ તેને પકડવા જતા આ લોકો થોડા દૂર ગયા હતા અને હાથમાં પથ્થરો લઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસ વાનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને દરવાજાને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત આરોપી ફઝલે તલવાર હાથમાં લઇ પોલીસને જાનથી મારી નાખવની ધમકી પણ આપી હતી.
પોલીસે કંટ્રોલરૂમને જાણ કરતા અન્ય પોલીસ ગાડીઓ ઘટનાસ્થળે આવતા આ આરોપીઓ ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં બાપુનગર પોલીસે ફઝલ ફરીદ અહેમદ શેખ, મહેફુઝ, ફઝલ ફરીદ અહેમદ શેખની બહેન તથા ભાભી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ-૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૮૬, ૨૯૪(ખ), ૪૨૭, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી છે.

