પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો : વટવામાં સગી દીકરી પર પિતાએ બળાત્કાર ગુજાર્યો, પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વટવામાં સગીર વયની સગી દીકરી પર પિતાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદી પોલીસના ચોપડે નોંધાઈ છે. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતો પિતા તેના ત્રણ સંતાનો સાથે રહેતો હતો. જોકે છેલ્લા આઠ વર્ષથી માતા ઘર છોડીને ચાલી ગઈ હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર પિતા દ્વારા જ કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી પિતા દ્વારા તેની 15 વર્ષની મોટી દીકરી પર નજર બગાડી હતી. તેને મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજારતો હતો. જોકે નરાધમ બાપની આવી હરકતથી કંટાળી દીકરી પોલીસને શરણે પહોંચી હતી અને દીકરીની ફરિયાદને આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. આરોપી પિતા કલરકામની છૂટક મજૂરી કરે છે. પોતાની સગીર દીકરીને અન્ય કોઈ યુવક સાથે મિત્રતા હોવાની અને તેની સાથે મોબાઈલ પર છુપી રીતે વાતચીત કરતી હોવાની જાણ તેના ભાઈએ પિતાને કરી હતી. જેથી પિતાએ આ તકનો લાભ ઉઠાવી દીકરીને ઠપકો આપી કે સમજાવવાની જગ્યાએ તેના પર નજર બગાડી અડપલા કરી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે દીકરીએ પણ તેના પિતાની હરકત પોતાના મિત્રને કહેતા આખરે પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દીકરીની ફરિયાદને આધારે વટવા પોલીસે પિતા વિરૂદ્ધ પોક્સો સહિતની કલમોથી ફરિયાદ નોંધી હવસખોર પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

