Ahmedabad news: શેરબજારમાં ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડોનો ચૂનો, ભેજાબાજ ગઠિયાઓએ કરી છેતરપિંડી

અમદાવાદમાં શેરબજારમાં ઇન્વેસ્ટ કરી ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભેજાબાજ ગઠિયાઓએ એક કંપનીના માલિક અને તેમની પત્નીના મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવડાવીને તે રકમ શેરબજારમાં રોકાણ કરવાના નામે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ રોકાણના નામે એક પ્રખ્યાત બ્રોકરેજ કંપનીના ખોટા લેટરપેડ અને લેજરો બનાવીને આશરે રૂ. 1.07 કરોડની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપીઓએ ષડયંત્ર રચીને બોસના લાખો રૂપિયા પડાવી લીધા
આ અંગે મળતી માહિતી મુજબ, નારોલ ખાતે રહેતા 49 વર્ષીય નીતિન સત્યવીર સિંઘે ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા 14 વર્ષથી સિંધુભવન રોડ પર આવેલી એક કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીના માલિક અને તેમના પત્ની સાથે આ છેતરપિંડીની ઘટના બની છે. વિવેક અગ્રવાલે પોતાના વતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે નીતિનભાઈને પાવર ઓફ એટર્ની આપી હોવાથી, નીતિનભાઈએ એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના ભાગીદારો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ષડયંત્ર રચીને તેમના બોસના લાખો રૂપિયા પડાવી લીધા છે અને વિશ્વાસઘાત કર્યો છે.

