Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD / Bootlegger allegedly beat up women along with men while protesting against the liquor den.

VIDEO: અમદાવાદ / દારૂના અડ્ડાનો વિરોધ કરતાં બૂટલેગરે પુરુષોની સાથે મહિલાઓને પણ ઢોર માર માર્યાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Ahmedabad News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વો અને બૂટલેગરોનો આતંક સામે આવ્યો છે. ચાંદખેડાની શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના અડ્ડાનો વિરોધ કરવા એકત્રિત થયેલા સ્થાનિક રહીશો પર બૂટલેગરોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. બૂટલેગરોએ સોસાયટીના પુરુષોની સાથે મહિલાઓને પણ બેરહેમીથી માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા જ મામલો બિચક્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતના ડર વિના ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને અસામાજિક દૂષણથી સોસાયટીના રહીશો ભારે પરેશાન હતા. આ દારૂના અડ્ડાને સદંતર બંધ કરાવવા માટે આજે સોસાયટીના રહીશોએ એક મહત્વની મિટિંગ બોલાવી હતી. આ બેઠકમાં તમામ રહીશોએ એકજૂથ થઈને બૂટલેગરને સોસાયટીની અંદર દારૂ વેચવાની કડક મનાઈ ફરમાવી હતી. પોતાની કમાણી બંધ થઈ જવાની બીકે બૂટલેગર ભારે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં જ બબાલ શરૂ થઈ ગઈ હતી.

બહારથી ગુંડા તત્વો બોલાવી મહિલાઓ પર પણ કર્યો હુમલો

સ્થાનિક લોકોએ લગાવેલા આક્ષેપ મુજબ, વિરોધથી ઉશ્કેરાયેલા બૂટલેગરે તુરંત જ ફોન કરીને બહારથી અન્ય અસામાજિક તત્વો અને પોતાના સાગરીતોને હથિયારો સાથે સોસાયટીમાં બોલાવી લીધા હતા. આ ટોળકીએ સોસાયટીમાં આવીને સામાન્ય નાગરિકો પર હિંસક હુમલો કરી દીધો હતો અને લોકોને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આતંક મચાવનારા આ શખ્સોએ સોસાયટીની મહિલાઓને પણ છોડી ન હતી અને તેમની સાથે પણ અમાનુષી મારપીટ કરી હતી. બૂટલેગરોના આ હિંસક આતંકના કારણે સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભયાનક મારામારી અને ચીસાચીસના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ભોગ બનનારા રહીશોની ફરિયાદના આધારે બૂટલેગર અને તેના સાગરીતો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિકોએ માગ કરી છે કે રહેણાંક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.