VIDEO: શીલજમાં નવપરિણીતાનું અકસ્માતમાં મોત બાદ પતિએ પોલીસને રડતી આંખે કરી વિનંતી, કહ્યું- ‘આરોપીને પકડો, મારી પત્નીને ન્યાય અપાવો’
અમદાવાદના શીલજ કેનાલ રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં નવપરિણીત મહિલા નિશીનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર રહેતા મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રડતી આંખે પત્નીને ન્યાય અપાવવા કરી વિનંતિ
અકસ્માત બાદ આરોપીની ધરપકડ ન થતાં મૃતકના પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં હાર્દિકનો આક્રંદ જોવા મળ્યો હતો. રડતાં રડતાં તેમણે પોતાની પત્નીને ન્યાય અપાવવા માટે આજીજી કરી હતી અને અકસ્માત કરનાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડીને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ સમગ્ર અકસ્માતની ઘટનાના હચમચાવી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. CCTVના આધારે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અકસ્માત કરનાર વ્યક્તિ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે અને તે ઘરઘાટી તરીકે કામ કરતો હોવાની માહિતી મળી છે.
પોલીસની ટીમ રાજસ્થાન રવાના
આરોપીની ધરપકડ માટે બોપલ પોલીસ દ્વારા રાજસ્થાનમાં ટીમો રવાના કરવામાં આવી છે. પોલીસની ટીમો આરોપીને શોધી રહી છે અને તેની ધરપકડ માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચાર દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા મૃતકના પતિ સહિત પરિવારજનોમાં નારાજગી છે. હાર્દિક દરજીએ વીડિયોના માધ્યમથી પોલીસને આરોપીને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. હાલ બોપલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

