Ahmedabad news: વકફ વિવાદો માટે દરગાહ કે મસ્જિદના સંચાલકોને કોર્ટ ફી ફરજિયાત ભરવી પડશે, હાઈકોર્ટે આપ્યો ઐતિહાસીક ચુકાદો

રાજ્યની વકફ સંપત્તિઓના વિવાદ મામલે હાઇકોર્ટે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. વકફ વિવાદો માટે દરગાહ કે મસ્જિદના સંચાલકો કોર્ટ ફી ન ભરતા વકફ વિવાદોનો ઝડપી નિકાલ થતો નહોતો. હાઈકોર્ટે એક સાથે 150 થી વધુ અરજીઓનો નિકાલ કરતાં વકફ મિલકતોના વિવાદમાં હવે વકફ વહીવટદારોને પણ કોર્ટ ફી ફરજિયાત ચૂકવવી પડશે.
કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી: હાઈકોર્ટ
વકફ ટ્રિબ્યુનલે જુદા-જુદા વિવાદની સુનાવણી અગાઉ કોર્ટ ફી ચૂકવવાના મુદ્દાને પડકાર્યો હતો, અત્યાર સુધી જુના વકફ કાયદામાં ફી અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કેસોમાં કોર્ટ ફી લાગુ નહોતી પડતી. આ કેસ સંબંધિત મોટી સંખ્યામાં કરાયેલી અરજીઓ ફગાવીને હાઈકોર્ટે નોંધ્યું હતું કે કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. આ ચુકાદા બાદ નાની દરગાહથી માંડી મોટી મસ્જિદોના સંચાલકોને હવેથી કોર્ટ ફી ભરવી પડશે. આ ચુકાદો વકફ મિલકતોના શાસન અને સંચાલન અંગે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યાર સુઘી કોર્ટ ફી ન ભરવાથી કેસોનો નિકાલ થતો નહોતો, પણ હવે વકફના પડતર કેસોનો ઝડપી નિકાલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈપણ હિન્દુ મંદિર અથવા ધાર્મિક જગ્યાએ વિવાદ હોય તો કોર્ટ ફી ભરવી પડે પરંતુ મુસ્લિમ સંપત્તિ વિવાદમાં ફી ભરતા નહોતા અને કેસોનો ભરાવો થતો હતો. કોર્ટ ફી લાગુ થયા બાદ હવેથી વકફ વિવાદમાં કોર્ટ ફી ભર્યા બાદ જ કેસ આગળ વધશે. આમ, હવે હિંદુ ટ્રસ્ટની જેમ વકફ સંચાલકોને પણ કોર્ટ ફી ચૂકવવી પડશે.

