મારી ગર્લફ્રેન્ડને રિકવેસ્ટ કેમ મોકલી? ધોરણ-9ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસ કર્યો, 3ની ધરપકડ

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરતી મિત્ર યુવતીને સોશિયલ મીડિયા પર રિકવેસ્ટ મોકલી મેસેજ કરનાર યુવકની હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો જૈનીશ શ્રીમાળી નામનો યુવક 8 જાન્યુઆરીએ ઘરેથી મિત્રો સાથે ફરવા જવાનું કહીને નિકળ્યો હતો.જોકે તે ઘરે પરત ફર્યો ન હતો અને તેનો ફોન પણ બંધ આવતા આ મામલે તેનાં પરિવારજનોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણવાજોગ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં જૈનીશ શ્રીમાળી રામોલમાં કામધેનું મેદાનમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલમાં બે દિવસ પછી મળી આવ્યો હતો. તેનું સ્કુટર, આઈફોન અને અન્ય એક ફોન તેની પાસેથી મળી ન આવતા લૂંટનાં ઈરાદે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ થઈ હતી.
યુવક પર હુમલો કરી લૂંટ કરનારા શખ્સો તેનું સ્કુટર ગોમતીપુરમાં વેચવા માટે નિકળ્યા હતા, જેમને ગોમતીપુર પોલીસે પકડી પાડતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ મામલે ગોમતીપુર પોલીસે મંથન પરમાર, ઉમેશ વાઘેલા અને પ્રિન્સ પરમાર નામનાં યુવકોની ધરપકડ કરી હતી.
આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં મંથન પરમાર ઘોરણ-9માં અને જૈનીશ શ્રીમાળી ધોરણ-10 માં અભ્યાસ સાથે અભ્યાસ કરતા હતા.
ક્લાસમાં સાથે ભણતી યુવતી સાથે મંથનને મિત્રતા હતી અને તે યુવતીને જૈનીશે ઈન્સ્ટાગ્રામમાં રીકવેસ્ટ મોકલી હોવાથી મંથને અગાઉ જૈનીશને યુવતીને હેરાન ન કરવાનું કહીને ઝઘડો પણ કર્યો હતો. તેણે પોતાનાં અન્ય બે મિત્રો ઉમેશ અને પ્રિન્સને બોલાવી જૈનીશને માર મારી તેનું સ્કુટર વેચી નાખવાનું નક્કી કર્યું અને આ ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે મંથન, ઉમેશ અને પ્રિન્સ ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

