Ahmedabad news: મેમનગરની કૃષ્ણનગર વસાહતમાં મકાનની ગેલેરીનો સ્લેબ અચાનક ધરાશાયી, એક વ્યક્તિનું મોત

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એક વસાહતમાં ગઈકાલે મોડી રાત્રે ગેલેરીનો સ્લેબ તૂટી પડવાની ગંભીર ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
મકાનની ગેલેરીનો સ્લેબ એકાએક ધરાશાયી થયો
મળતી માહિતી અનુસાર, મેમનગર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વસાહતમાં ગઈકાલે રાત્રે મકાનની ગેલેરીનો સ્લેબ એકાએક ધરાશાયી થયો હતો. રાત્રિનો સમય હોવાથી આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્લેબ પડવાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ અકસ્માત સમયે ગેલેરીની નીચે અથવા તેની ઝપેટમાં આવી ગયેલા એક વ્યક્તિ પર સ્લેબનો કાટમાળ પડ્યો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે તે વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસની કાર્યવાહી અને રસ્તો બંધ કરાયો
આ બનાવની ગંભીરતાને જોતા પોલીસે સાવચેતીના ભાગરૂપે મકાનનો બાકીનો હિસ્સો જોખમી હોવાની શક્યતાને પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં બેરિકેટિંગ કરી દીધું છે. અવરજવર કરતા લોકોની સુરક્ષા માટે અત્યારે તે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. મકાન કેટલું જૂનું હતું અને સ્લેબ પડવા પાછળ જર્જરિત હાલત જવાબદાર હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

