રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી, મકરબા ખાતે નાયબ મુખ્યમંત્રીએ લહેરાવ્યો તિરંગો

આજે ૭૭માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નવા બનેલા જિલ્લામાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વાવ-થરાદમાં મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યપાલે રાષ્ટ્રદ્વજ લહેરાવ્યો હતો.
રાજ્યમાં જિલ્લાકક્ષામાં પણ ઉજવણી કરવામાં આવી
તો બીજી તરફ રાજ્યમાં જિલ્લાકક્ષામાં પણ ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ઉમરગામ પાલિકાના રળિયામણા દરિયાકિનારા નજીક ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવી હતી.
ઉલ્લાસભેર ઉજવણી
આ અવસરે રાજ્યના આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સુરત જિલ્લા ના માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 77 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી.જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી ના હસ્તે ધ્વજારોહણ કરાયું. ધ્વજારોહણ કાર્યક્રમ માં જિલ્લા પોલીસ ની પરેડ આકર્ષણ નું કેન્દ્ર બની હતી, સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કૃતિઓ રજૂ કરવામાં આવી.
મકરબા ખાતે નાયબ મુખ્યમંત્રીએ લહેરાવ્યો તિરંગો
અમદાવાદ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો. જ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ, હોમગાર્ડ, GRD અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ટુકડીઓએ માર્ચ પાસ્ટ રજૂ કરી હતી. આ વર્ષે 14 ભવ્ય ટેબલો (ઝાખીઓ) રજૂ કરવામાં આવી હતી. જેમાં 10 ટેબલો સરકારી વિભાગોની વિકાસગાથા અને 4 ટેબલો પોલીસ વિભાગની કામગીરી દર્શાવતા હતા.

