વિકાસ કાર્યોના ફંડના 440 કરોડમાંથી ગુજરાતના 26 સાંસદોએ માંડ અડધા વાપર્યા, રાજકોટના સાંસદનું પર્ફોર્મન્સ સૌથી નબળું

MP લોકલ એરીયા ડેવલપમેંટ ફંડ (MPLAD) યોજના 23 ડિસેમ્બર 1993 ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દરેક સંસદ સભ્ય તેમના મત વિસ્તારના વિશેષ પ્રકારના કામોની ભલામણ કરી શકે,સંસદ સભ્યના ભલામણ બાદ જીલ્લા આયોજન મંડળ દ્વારા તે કામો માટે ભંડોળ ફાળવવામાં આવે છે.
શરૂઆતમાં આ યોજનામાં સાંસદ દીઠ માત્ર 5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જે 1994-95 માં વધારીને 1 કરોડ કરવામાં આવ્યા. ત્યારબાદ સમય સમય પર રકમમાં વધારો થયો અત્યારે સાંસદ દીઠ દર વર્ષે 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. દરેક સાંસદ તેમના 5 વર્ષના સમયગાળા દરમ્યાન કુલ 25 કરોડના કામોની ભલામણ કરી શકે છે.
નોંધનીય બાબત એ છે, MPLAD ફંડ જે તે નાણાકીય વર્ષમાંજ વાપરવું જરૂરી હોતું નથી. પણ વણ વપરાયેલું ફંડ બીજા વર્ષમાં વાપરી શકાય છે. હવે ચૂંટણી જાહેર થવાથી ચૂંટણી પંચના સૂચનથી MPLAD વપરાશ પર રોક લગાવવામાં આવી છે.
MPLAD યોજના અંતર્ગત નીચે મુજબના કામો કરી શકાય છે :
- પીવાના પાણી, સ્વચ્છતાને લગતા કામો, સિંચાઇની સુવિધાઓ વગેરે
- સ્વચ્છતા અને જાહેર આરોગ્ય
- ખેતી, પશુપાલન, ડેરી વગેરે
- રોડ, રસ્તા, પુલ, રેલ્વે વગેરે
- શિક્ષણ
- શહેરી વિકાસ
2019 થી 2024 ની ટર્મની વાત કરીએ તો આ વખતે MPLAD ફંડ માં ઘટાડો થયો. કોવિડકાળ દરમ્યાન લગભગ 1.5 વર્ષના સમયગાળા માટે આ યોજના ફ્રીઝ કરવામાં આવી હતી. તેથી આ 5 વર્ષ માટે દરેક સાંસદ પાસે 25 કરોડના બદલામાં માત્ર 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ હતી.
એટ્લે ગુજરાતના 26 MP ના હસ્તક 17 X 26 = 442 કરોડ રૂપિયા હતા, જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતાં, જે કામો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અથવા રાજ્ય સરકાર દ્વારા આયોજનમાં લીધેલ નથી. તેમાં એરિયા સ્પેસિફિક એટ્લે જે તે વિસ્તારની વિશેષ જરૂરીયાત અને મતદારોની માંગણીને ધ્યાનમાં લઈને સાંસદ કામો માટે ભલામણ કરી શકે.
ADR સ્ટેટ કો-ઓર્ડિનેટર પંક્તિ જોગ પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાતના સાંસદોને કુલ 442 કરોડ ફંડ મળવાપાત્ર હતું, પણ 26 સાંસદોએ માત્ર 354.9994 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા, અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, જે કુલ મળવાપાત્ર ફંડ (442 કરોડ) ના માત્ર 49.77% થાય છે.
ગુજરાતના MP દ્વારા રોડ, રસ્તા, પુલ વગેરે માળખાકીય સુવિધાઓને લગતા કામોને પ્રાથમિકતા આપી છે. તેમાં 114.81662 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યારબાદ અન્ય જાહેર કામો માટે 71.32 કરોડ, શિક્ષણ માટે 26 કરોડનો ખર્ચ કર્યો છે, આરોગ્ય માટે 13.45 કરોડ,સૌથી ઓછો ખર્ચ હાથશાળના કારીગરોના વિકાસ માટેના માત્ર 2.948 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો છે.
અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા દ્વારા સૌથી વધુ, એટ્લે 31.2424 કરોડ ના કામોની ભલામણ કરવામાં આવી. જો કે તેઓ માત્ર 17 કરોડસુધીના જ કામો લઈ શકતા હતા. તેમાંથી માત્ર 9.5 કરોડ રૂપિયાનું જ ફંડ ફાળવાયુ. જ્યારે જશવંતસિંહ ભભોર દ્વારા સૌથી ઓછા એટ્લે કે માત્ર 6.7803 કરોડના જ કામો માટે ભલામણ કરવામાં આવી અને 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
ગુજરાતના 26 સાંસદોના MPLAD ફંડની વિગત તથા વિવિધ વિકાસ કાર્યો પાછળ વપરાયેલ MPLAD ફંડની વિગત નીચેની ત્રણ ઇમેજમાં દર્શાવાયા છે :

