શતરંગ / ભરતી-ઓટ અને સમંદર, સ્ત્રી-પુરુષ અને સંબંધો!

બહુ એટલે બહુ વર્ષો પહેલા (કદાચ) 'કાચના સબંધ' નાટકમાં એક સરસ સંવાદ સાંભળેલો જે આજે પણ યથાતથ યાદ છે (સંબંધોના ઊંડાણ અને ઉતાર-ચડાવના સંદર્ભમાં એ વાત હતી કે) - 'હા, આવી હશે. હા, હું સ્વીકારું છું કે ક્યારેક મારી તારા પ્રત્યેની લાગણીમાં ઓટ આવી હશે, પણ ઓટ આવે એનો મતલબ જ એ છે કે હવે ભરતીનો વારો છે. હવે ભરતી આવશે. અરે, દરિયો હોય ને ત્યાં જ ભરતી ને ઓટ આવે, બાકી નાનકડા ખાબોચિયાંમાં તો વળી ભરતી કેવી ને ઓટ કેવી?'
સમંદર કાયમ મારો પ્રિય વિષય રહ્યો છે. મારો જ કેમ? ઘણા બધાંનો રહ્યો જ હોય. ગાંધીજીએ ભલે નદીની જેમ દરિયાના પાણીને આપણા સૌની મઝિયારી મિલકત ન ગણાવી હોય, પણ જો કોઈ દરિયા પર માલિકી દર્શાવે તો ખૂનામરકી નહીં, પણ વિશ્વયુધ્ધો થઈ જાય. અત્યાર સુધી થયેલા બન્ને વિશ્વયુદ્ધમાં દરિયો જ મહત્વનું બેટલફિલ્ડ રહેલું. દરેક પક્ષને ખબર હતી કે જે દરિયો કબજે કરશે એ જ ભૂમિ પર પણ રાજ કરશે.
અંગ્રેજોનું શાસન વિશ્વભરમાં વિસ્તર્યું કારણ કે તેમણે ખુબ દરિયો ખેડ્યો. મોદી અને એમનું ગુજરાત મોડલ તો ક્યાંય પછી આવ્યું, પણ ગરવા ગુજરાતીઓએ ગાડાંયુગમાં ધોતિયાં પહેરી માથે બાચકું અને હાથમાં બ્રિફકેસ ઝાલી અનેક દેશોનો દરિયો ખુંદી કાઢેલો. એટલે જ આજે કોંગોથી માંડી યુગાન્ડા સુધી ગુજરાતીઓના એમ્પાયર્સ ગુજરાતીપણાના વાવટા ફરકાવે છે. અરે, એક સમયનો યુગાન્ડાનો સરમુખત્યાર ઈદી અમીન બાળપણમાં આપણા ગુજરાતી વેપારી મહેન્દ્ર મહેતા (જુહી ચાવલાના સસરા)ના વડવાઓની સુગર એસ્ટેટમાં પડ્યો પાથર્યો રહેતો હતો. (આ વાત મને ખુદ મહેન્દ્ર મહેતાએ જ 8 જાન્યુઆરી 2015ના રોજ તેઓ પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા આવ્યા ત્યારે મને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.)
ખેર, નદી અને દરિયામાં ફરક એ છે કે નદી તમને પાસે આવવા આમંત્રણ આપે છે અને દરિયો તમને એની પાસે ખેંચે છે. એ કોઈ હાય...હેલ્લો...ની રીતરસમોમાં માનતો જ નથી. એ બાહો ફેલાવીને દોડીને તમને એનામાં સમાવી દેવા મથે છે. દરિયાના કાંઠે કલાકો સુધી બેસીને એ લહેરોને નિહાળે રાખવાની ઘટના કોઈ ધ્યાનથી કમ નથી.
દરિયો ખેંચે છે કારણ કે એનામાં એક તોફાન છે. લોકો ખેંચાય છે કારણ કે દરેક વ્યક્તિની અંદર એક તોફાન હોય છે. કોઈએ લખ્યું જ છે ને કે- 'નાની અવડી વાતની આવડી અસર?, આપણી અંદર સતત એક તોફાન છે.' શું ખબર ચાંદ નજીક આવે ત્યારે દરિયામાં તોફાન ન આવતું હોય, પણ મહેરામણ ધિંગાણે ચડે ત્યારે ખુદ ચાંદ જ સમંદરના એ પ્રલયંકર ત્રિપુરારી સ્વરૂપને માણવા પૃથ્વીની નજીક આવતો રહેતો હોય! નદીઓ લોકોને ડુબાડતી હશે, મારો દરિયો તો લોકોને પોતાનામાં સમાવે છે ને પછી તારે છે પણ ખરો!
દરિયો પુરુષ છે અને નદી સ્ત્રી. નદી અંતત: કોઈ એક સમંદરને જઈને મળે છે. સમંદર કાયમ અનેક નદીઓને પોતાનામાં સમાવતો રહે છે. ઘણી વાર તો એક સાથે ત્રણ ત્રણનો ત્રિવેણી સંગમ પણ રચે. નદીનો અવાજ મોટેભાગે ખળખળ કે કલકલ હોય જ્યારે સમંદરના અવાજમાં કાયમ એના પેટાળ સમ ઊંડાણ અનુભવાય. નદીના અવાજમાં આમંત્રણ છે અને દરિયાના અવાજમાં પડકાર. સમંદરની ભવ્યતા આકર્ષક લાગે તો કોઈ સ્ત્રીની પેઠે જ નદીના વળાંકો સેક્સી લાગે.
નદીની ટોપ એંગલની તસવીરોમાં પણ એ જ સૌથી કમનિય લાગે જેમાં સૌથી વધુ વળાંકો હોય. તમે સમંદરની ભરતી-ઓટ કળી શકો. સુનામી કે ચક્રવાતના સંજોગો સિવાય એની સાઇકલ નિશ્વિત હોય, પણ નદી ક્યારે એની સીમા ઓળંગી જાય એ તમે કળી ન શકો. એ કળવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે એના 'ઉપરવાસ'માં શું થયુ છે અથવા અગાઉ શું થયુ હશે... અને સ્ત્રીઓ પોતાનો સાચો ભૂતકાળ હરકોઈને કહેતી નથી!
નદીઓ પોતાના બંધને વફાદાર રહે છે અને સમંદર પર કોઈ બંધ બાંધતુ નથી. આમ તો કોઈ પણ નદીને કોઈ બંધનો ગમે જ નહીં, આમ છતાં બહુ જ અસામાન્ય સંજોગો સિવાય કોઈ નદી પોતાનો બંધ તોડતી નથી. એ વહેતી હોવા છતાં બંધાઈ જાય છે, બંધમાં. ...પણ પેલા સમંદરના પટમાં અનેક હોડીઓ રમતી રહે છે. કાંઠે લાંગરેલી હોડીઓને પણ એ કાયમ છાલકો મારતો જ રહે છે. કો’ક દિવસ તો એ એના પટમાં આવશે જ એ આશા સાથે. એ જ એનો સ્વભાવ છે. એ જ પ્રકૃતિનો નિયમ છે, એનાથી કંઈ સમંદર છીછરો થોડો થઈ જાય છે?
પેલી મીઠ્ઠુ પાણી આપે ને પેલો કાયમ ખારાશ જ ઓકતો રહે. એનુ મંથન કરો તો પણ અમૃત પહેલા વિષ જ આવે. એનામાં એટલી ખારાશ ભરી હોય કે એ કાયમ મીઠી નદીઓને વલખતો રહે. એમને અપનાવતો રહે. નદીઓ એનામાં પોતાનુ અસ્તિત્વ ઓગાળતી રહે, પણ પરિણામ હંમેશા ખારું ઉંશ જ રહે. એને અભિશાપ છે ખારા રહેવાનો તો પેલીની નિયતિ જ છે ખારાશમાં ભળી જવાની...!
કેટલીક નદીઓ અવતરણ માટે ભગીરથ પ્રયાસ માંગી લે છે ને કોઈ કોઈ સમંદરોના લલાટે અગસ્ત્યયોગ લખાયો હોય છે. નદી જો ગંગા હોય તો એવું પણ બને કે પેઢીઓ સુધી પ્રયાસ ભગીરથ કરે પણ એને ઝીલે કોઈ શંકર!
નદીઓના કાંઠે આખેઆખી સંસ્કૃતિઓ પાંગરે. જેમ કોઈ સ્ત્રી-કોઈ માતા પરિવારને ઉછેરે. જ્યારે દરિયાકાંઠાના જીવનમાં કાયમ હાડમારી જ દિસે. દરિયાકાંઠાનું જીવન એટલે જાણે વર્ષોથી સ્ત્રી વિહોણુ થયેલુ કોઈ ઘર.
ફ્રી હિટ :
નદીઓ સામેથી આવશે મળવા તને દોડતી,
છે શરત માત્ર એટલી કે પહેલા તું સમંદર થઈ જા.
(ક્યાંક સાંભળેલુ. કવિનું નામ યાદ નથી)
- તુષાર દવે

