Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / તુષાર દવે : A nineties kid's hate letter to Gen-Z laments after watching 'Saiyaara'!

GSTV શતરંગ/ 'Saiyaara' જોઈને છાજીયા લેતા Gen-Zના વિલાપીઓને એક નાઈન્ટિઝ કિડનો હેટ લેટર!

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ 'Saiyaara' જોઈને છાજીયા લેતા Gen-Zના વિલાપીઓને એક નાઈન્ટિઝ કિડનો હેટ લેટર!
સોર્સ : GSTV

- તુષાર દવે (1 ઓગસ્ટ 2025, ચિત્રલોક, ગુજરાત સમાચાર)

'સૈયારા' જોઈને છાજીયા લેતા ઝેન ઝીના વિલાપીઓને જત જણાવવાનું કે અમે 'શોલે'માં બચ્ચનને મરતો જોઈને દુઃખી થઈ ગયેલા! 'રહેના હૈ તેરે દિલ મૈં'ના મેડી (આર. માધવન) તો ઠીક, 'ડર'ના શાહરુખ માટે પણ અમને સોફ્ટ કોર્નર હતો!

App Store

'મહુઆ' ફિલ્મમાં રફીસાહેબે ગાયેલા ટાઇટલ સોંગની કેસેટો ઘસી મારેલી. ચાઈનીઝ કંપનીના રેડિયોમાં 'વિવિધ ભારતી' પર જ્યારે પણ સોનિક-ઓમીના સંગીતથી મઢેલું એ સોંગ વાગતું ત્યારે દિલ ફાડીને એ રીતે રાગડા તાણતા જાણે અમારી કોઈ મહુઆ અમને છોડીને પરભવના પ્રવાસે ચાલી નીકળી હોય!

'કુછ કુછ હોતા હૈ'ના 'તુજે યાદ ન મેરી આઈ...'ની જસ્ટ પહેલાના સીનમાં અમારું હૈયું ભરાઈ આવેલું, અમે દિલથી ઇચ્છતા હતા કે રાહુલ અને અંજલિ મળી જાય. એ ફિલ્મમાં અંજલિની જાન લઈને આવતા સલમાનને જોઈને અમને રીતસરનો ધ્રાસ્કો જ પડેલો! 

અમને હજુ પણ એ વાતનો આઘાત છે કે 'ગજની'માં અસીન એ જાણ્યા વિના મરી ગઈ કે આમિર ખાન જ સંજય સિંઘાનિયા છે! બાપડીનો જીવ અવગતે ગયો હશે! અમારું ચાલે તો હજુ પણ કોઈ ભૂવાને કહી કલ્પનાની આત્માને કોઈના શરીરમાં ધૂણાવીને એને એ બાતમી આપી દઈએ કે આમિર જ સંજય સિંઘાનિયા હતો! 

'દિલવાલે'માં 'જીતા થા જીસકે લિએ... જીસકે લિએ મરતા થા...' ગીત ગાતાં અજય દેવગણની હાલત જોઈને સુનિલ શેટ્ટી કરતા વધારે તો અમારું હૈયું વલોવાઈ જતું હતું.

અરે, અમે તો એટલા ઇમોશનલ છીએ કે આજે પણ 'હાથી મેરે સાથી' જોવામાં આવે ત્યારે હાથીના મોત પર આવતું રફીસાહેબનું 'નફરત કી દુનિયા કો છોડ કર...' વાગતું જોઈને ગળગળા થઈ જવાય છે. (એક આડવાત એ કે એ અરસામાં કિશોર કુમાર વોઇસ ઓફ રાજેશ ખન્ના અને બચ્ચન હતા. એમના મોટાભાગના ગીતો એમની પાસે ગવડાવામા આવતા. આ ફિલ્મના પણ બીજા બધાં જ ગીતો કિશોર કુમારે જ ગાયા છે, પણ આ સેડ સોંગ લક્ષ્મીકાંત-પ્યારેલાલે ખાસ રફીસાહેબ પાસે ગવડાવેલું. 'મુકદ્દર કા સિકંદર'ના ટાઇટલ સોંગનું નોર્મલ વર્ઝન કિશોર કુમારે ગાયેલું છે અને 'જિંદગી તો બેવફા હૈ એક દીન ઠુકરાયેગી, મોત મહેબૂબા હૈ અપને સાથ લેકર જાયેગી' - એ પંક્તિઓ ધરાવતું સેડ વર્ઝન કલ્યાણજી-આણંદજીએ રફીસાહેબ પાસે ગવડાવેલું.)

'કલ હો ના હો'માં સૈફ પ્રીતિ ઝીન્ટાને પ્રપોઝ કરવા જાય છે, એ પ્રપોઝ કરે એ પહેલા જ પ્રીતિ બોલી ઉઠે છે કે "આઈ લવ અમન" (શાહરુખ), ત્યારે બેકગ્રાઉન્ડમાં ઊભેલા હોટલના બે ટણપા ટપોરાઓ રોમેન્ટિક મ્યૂઝિક બંધ નહોતા કરતા એમને બે બે કાનપટ્ટાની આલી આવવાની ઈચ્છાઓ થઈ આવેલી!

'કભી ખુશી કભી ગમ'નું આજે અવાસ્તવિક લાગતું શાહરુખનું હેલિકોપ્ટરમાં આવવું, દોડવું અને એનો અણસાર મળતા જ જયા બચ્ચનનું પલટવું આજે પણ અમારા પેટમાં બુડબુડિયા બોલાવી દે છે. ગુઝબમ્પ્સ યૂ નો...! ખોટું નહિ બોલું, પણ 'મહોબ્બતે'ના 'પરંપરા, પ્રતિષ્ઠા, અનુસાશન'વાળા અમિતાભ બચ્ચનથી ઘરમાં પપ્પાથી લાગે એવો ડર લાગતો!

'મર્ડર'નો ઈમરાન હાશમી તો અમારો પ્રેરણાપુરુષ હતો અને 'મલ્લિકા'ની તલાશ તો આજે પણ ચાલુ છે! 'જન્નત'માં ઈમરાન હાશ્મીએ નવી નક્કોર કાર સાથે મારેલા પ્રપોઝનું સપનું સાકાર કરવા આજે પણ એક આખી જનરેશન ડ્રિમ ઈલેવન ટીચી રહી છે! હોવ... 

'મર્ડર' ફિલ્મ અને 'આશિક બનાયા આપને'નું ટાઈટલ સોંગ તો વારંવાર જોવાતા જ એટલા માટે કારણ કે એ જમાનામાં પોર્ન આટલું ઈઝીલી અવેલેબલ નહોતું. 'રાજા હિન્દુસ્તાની'નું 'પરદેશી પરદેશી... જાના નહિ... મુજે છોડ કર...' તો અમે જીભ પકડીને ગાવાની ચેલેન્જો આપતા. એ સમયના 'સખ્ત લોંડા'ઓ એ ફિલ્મ ફરી ફરીને જોવા જ આમિર ખાને કરીશ્મા કપૂરને ચોડી દીધેલા તસતસતા ચુંબનના કારણે જતા હતા. 

જોકે, કિસિંગ વગેરેના મામલામાં 'દયાવાન'નો વિનોદ ખન્ના ઈમરાન હાશ્મીનો દાદો થાય. એ ફિલ્મના 'આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ' સોંગમાં એણે માધુરી સાથે જે કર્યું એ જોઈને અમારા તો જીવો બળી ગયેલા. અમને 'માધુડી' પાસેથી આવી અપેક્ષા નહોતી! એ દૃશ્યોએ અનેક યુવાનોના સપનામાં પરસેવા છોડાવી દીધા છે!

'કરન-અર્જુન'માં સલમાનને પામવા ટૉમ બોયમાંથી 'દેશી ગર્લ' તરીકે ટ્રાન્સફોર્મ થનારી મમતા કુલકર્ણીને જોઈને અમને પણ પ્રેમ થઈ ગયેલો, પણ હવે એને જોઈએ છીએ તો એની જેમ જ કુંભમાં જઈને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ જાય છે. વળી, સંન્યાસ માટે આપવાના કરોડ રુપિયા પણ અમારી પાસે નથી. જો હોય તો એ રૂપિયાની કાર ખરીદીને 'જન્નત સ્ટાઈલ'માં કોઈ તૃપ્તી ડિમરીને પ્રપોઝ મારવાની તમન્ના હજુ ખરી!

'ફૂલ ઔર કાંટે'ની બે અલગ અલગ બાઈક પર પગ મુકીને એન્ટ્રી મારવાની સ્ટાઈલની નકલ કરવાના ચક્કરમાં અમારી પેઢીના ઘણા યુવાનોએ પોતાના ટેસ્ટિકલ્સ ગુમાવ્યા છે અને એમનો વંશવેલો આગળ વધી શક્યો નથી! 'ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુઝર જાના હૈ...' - એ 'ફૂલ ઔર કાંટે'નું યાદગાર ગીત હતું, પણ આગળ કહ્યું એવી દુર્ઘટનાનો શિકાર બનેલા યુવાનો ધીમે ધીમે કે ઝડપી ઝડપી પ્યારને આગળ વધારી શકતા નથી અને કોઈ હદથી વધી શકતા નથી એટલે આ સમાજ એમના થકી અવતરનારા અનેક સસ્તા અજય દેવગણોથી વંચિત રહી ગયો છે!

'બાજીગર'માં શાહરુખે શિલ્પાને નીચે ધક્કો મારી દીધો ત્યારે રાજ કુન્દ્રાના સમ કે અમે ખુરશીમાં બેઠા બેઠા હલી ગયેલા અને છોકરીઓના તો મોંમાંથી ચીસ નીકળી ગયેલી. આજે તમે 'બાજીગર' ધ્યાનથી જુઓ તો ચોખ્ખું દેખાઈ આવે કે બિલ્ડિંગ પરથી નીચે પડે છે એ પૂતળું જ છે, પણ ત્યારે અમારી આંખો અજય શર્મા (શાહરુખ)ના બદલામાં આંધળી થઈ ગયેલી. 'હમ આપકે હૈ કૌન'માં તો માધુરી અને સલમાનનું દુ:ખ અમને એટલું અડી ગયેલું કે એ બંન્નેનું સેટિંગ કરાવનાર ટફી (કૂતરું) અમને અવતારસમાન લાગેલો. એન્ડ બિલિવ મી કે 'સૈયારા'ની આખી કાસ્ટ કરતા વધારી સારી એક્ટિંગ ટફીની હતી!

'સાજન'માં માધુરી દિક્ષિતના કારણે સંજય દત્ત અને સલમાન ખાનની દોસ્તી તૂટી ત્યારે અમારું પણ દિલ તૂટી ગયેલુ. 'મન'માં મનિષા કોઈરાલાના કપાયેલા પગ જોઈએ કે 'ચાહા હૈ તુજકો... ચાહુંગા હરદમ...' સાંભળીએ ત્યારે આજે પણ ગળગળા થઈ જવાય છે! 

'દિલ હૈ કી માનતા નહિ...'નું 'તું પ્યાર હૈ કિસી ઔર કા તુજે ચાહતા કોઈ ઔર હૈ... તું પસંદ હૈ કિસી ઔર કી... તુજે માનતા કોઈ ઔર હૈ...' તો એક આખી જનરેશનનું કેથાર્સિસ છે અને કુમાર શાનુ એમનો આરાધ્ય દેવ!

હિમેશ રેશમિયાના સોંગ 'ઝલક દિખલા જા...' સતત સાંભળવાથી અમુક દેશી (સ્મોલ ટાઉન) યંગસ્ટરોને વાઈ આવતી હતી! ગામડાંઓમાં તો એવી અફવા હતી કે 'એક બાર આજા આજા... આઆઆઆ... જાઆઆઆ...' વગાડવાથી ભૂત આવે છે!

નાઈન્ટિઝમાં જન્મેલા સ્મોલ ટાઉનિયાઓ આજે છત્રીસી પાર કરી ગયા હોવા છતાં નદીમ-શ્રવણ અને કુમાર શાનુનાં સેડ સોંગનું આખું પ્લે-લિસ્ટ દિવસમાં એકવાર તો ભગવાનની આરતી કે હનુમાન ચાલીસાની માફક મોબાઈલમાં વગાડે છે. ખાસ તો પેલું કે - 'મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યે પ્યાર તો તુમ સે કરતા હૈ, પર સામને જબ તુમ આતી હો, કુછ ભી કહને સે ડરતા હૈ...'
'બોમ્બે'નું 'તૂ હી રે... તેરે બિના મૈં કૈસે જિયું...', 'રંગીલા' નું 'પ્યાર યે જાને કૈસા હૈ...' અને 'દિલ સે'નું 'એ અજનબી તૂ ભી કભી આવાઝ દે કહીં સે...' ‌એમાં તો વળી દૂર દૂરથી જે ફિમેલ કોરસમાં ગવાતા શબ્દો 'પાખી પાખી પાખી રે... ' અમને અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે કાનમાં ભણકારાની માફક સંભળાતા હતા.

'હંસી તો ફંસી'માં મલ્હાર ઠાકરનો ક્રશ પરિણીતી ચોપરા એરપોર્ટના વોશરૂમમાં અરીસા સામે જોઈને ઊભી ઊભી બે હાથ ઊંચા કરી પોતાની જાતને હાઈ-ફાઈવ (હાઈ-ફાઈ નહીં, ટોપા) તાળીઓ આપીને રડે છે ત્યારે અમે પણ થિયેટરના અંધારામાં ધોધમાર રડ્યા છીએ!

'કબીરા માન જા.. ' ગીત વખતે દીપિકા તો રડે જ છે પરંતુ રણબીર પણ પોતાની આંખો ભીની થઈ ગઈ હોવા છતાં પાછું વળીને કેમ નથી જોતો? - એ દર્દનો પથ્થર અમે અમારા દિલ પર ઝિલ્યો છે બકા, તુમ નહિ સમજોગે!

અને હા, પ્યોર ટ્રેજેડીમાં લવનું ટ્રુથ, માય ડિયર, ડીપ ડાઉન અંડર પ્યોર લવની સચ્ચાઈ જોવી હોય તો 'કબીર સિંહ'નો અંત એક વાર ફરી જોઈ લેજો. કેમકે પોતે આટલો બધો ટોક્સિક અને બર્ન્ડ ડાઉન (બળેલા સ્વભાવનો) છે, એમ છતાં સાત મહિના પછી મળેલી પોતાની પ્રિયતમા આજે ફૂલ પ્રેગ્નન્સીમાં છે છતાં એને એક બોલથી અપનાવી લે છે...અને પૂછતો પણ નથી કે આ બાળક કોનું છે! બકુડાવ, આને કહેવાય 'લવ'માં સફરિંગ! ફક્ત શર્ટ ફાડીને ચીસો પાડીને જ 'સફરિંગ'ને એક્સપ્રેસ ના કરવાનું હોય. સમજ્યાં?

'મસ્તી'નું સોંગ 'દિલ દે દિયા હૈ જાં તુમ્હે દેંગે... દગા નહિ કરેંગે સનમ...' સાંભળી સાંભળીને અત્યાર સુધીમાં ડઝનેકવાર ગર્લફ્રેન્ડ કે પત્નીને દગો ન દેવાની કસમો મનોમન ખાઈ ચૂક્યા છીએ, પછી 'મુન્નાભાઈ એમબીબીએસ' જેવું કંઈક ઘટે છે કે - 'અગલે દિન અપને મહોલ્લે મૈં ઐશ્વર્યા આઈ... ઓ...હોહોહો... અપના ખોપડી ફિર ચક્કર ખા ગયા... દિલ ટ્રક કે સાથ ફિર્રર્ર... ટક્કર ખા ગયા... ક્યા બ્બાત...!'

'સિર્ફ તુમ'ના ક્લાઈમેક્સ પૂર્વે અને 'ઝિંદા રહેને કે લિએ તેરી કસમ, ઈક મુલાકાત જરૂરી હૈ સનમ...' સાંભળીને બંન્ને પત્ર-પ્રેમીઓ મળી જાય એ માટે અમે મનોમન જ માતાજીનો તાવો કરવાની બાધા રાખી લીધેલી! 'હમ દિલ દે ચુકે સનમ' માટે 'તડપ તડપ કે ઈસ દિલ સે આહ નિકલતી રહી...'નું સંગીત આપવા બદલ ઈસ્માઈલ દરબારને અમે હજુ ભૂલી શક્યા નથી.

'ધડકન'ના સુનિલ શેટ્ટીની 'મૈં તુમ્હે ભૂલ જાઉં યે હો નહિ સકતા ઔર તુમ મુજે ભૂલ જાઓ યે મૈં હોને નહિ દુંગા' - તો અમારી જનરેશનની ધ્રુવપંક્તિ છે. જે તમને સિચ્યુએશનશીપ, ઘોસ્ટિંગ, બેચિંગ, બ્રેડક્રમ્બિંગ, કફિંગ, ઓર્બિટિંગ અને ઝોમ્બીઈંગ જેવી કન્ફ્યૂઝ રિલેશનશીપ રાખતી જનરેશનને નહિ સમજાય. 

એની વે, અમારી જનરેશને કરેલા ઉપરના તમામ ગુનાઓ કબૂલ છે. સર આંખો પર છે, પણ એ બધી ફિલ્મો થોડી મીડિયોકર હોવા છતાં ક્યાંક ક્યાંક ક્લાસિક કે કલ્ટ ક્લાસિક છે અને 'સૈયારા' ભંગાર છે જ છે... તૌડા કુત્તા ટોમી ઔર સાડ્ડા કુત્તા કુત્તા ...! સમજે બરખુરદાર?

ફ્રી હિટ :

'સૈયારા' જોઈને સાન-ભાન ગુમાવનારા ઝેન ઝીના ઝોમ્બિડાઓ, તમે નસીબદાર છો કે 'તેરે નામ' કે 'રાંઝણા' તમારા સમયમાં નથી આવી નહિ તો તમને વેન્ટિલેટર પર રાખવા પડતા સાલાઓ...!