Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : The science of elements born in the streets of Greece

GSTV શતરંગ: ગ્રીસની ગલીઓમાં જન્મેલું તત્ત્વ જ્ઞાન

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ગ્રીસની ગલીઓમાં જન્મેલું તત્ત્વ જ્ઞાન
સોર્સ : gstv

- હોરાઈઝન-ભવેન કચ્છી

App Store

૨૩૦૦ વર્ષ પહેલાં ગ્રીસની ગલીઓમાં જન્મેલી એક ફિલોસોફી આજે ૨૧મી સદીના મનુષ્ય માટે સંજીવની સમાન સાબિત થઈ રહી છે. આ ફિલોસોફીનું નામ છે. સ્ટોઈકિઝમ (Stoicism ).

સ્ટોઈકિઝમનો  ઉદ્ભવ

ઝેનો  નામના એક સમૃદ્ધ વેપારીનું એક દરિયાઈ સફર દરમિયાન જહાજ ડૂબી ગયું અને તેમની તમામ સંપત્તિ દરિયામાં ગરકાવ થઈ ગઈ. શૂન્ય થઈ ગયેલા ઝેનો જ્યારે એથેન્સ પહોંચ્યા, ત્યારે તેમણે ફિલોસોફીમાં રસ લીધો. તેઓ એથેન્સના જાહેર બજારમાં આવેલી એક ખુલ્લી પરસાળ (ગ્રીક ભાષામાં 'Stoa') માં ઉભા રહીને લોકોને જીવનનો મર્મ સમજાવવા લાગ્યા. 'Stoa' પરથી જ આ વિચારધારાનું નામ 'સ્ટોઈકિઝમ' પડયું. આ ફિલોસોફી કોઈ બંધ ઓરડામાં નહીં, પણ સામાન્ય જનતાની વચ્ચે જન્મી હતી.

સ્ટોઈકિઝમ કોઈ જટિલ સિદ્ધાંત નથી, પણ વ્યવહારુ જીવન જીવવાની રીત છે. તેના મુખ્ય ત્રણ પાયા છે :

૧. નિયંત્રણનો ભેદ :

સ્ટોઈકિઝમનો સૌથી મોટો પાઠ એ છે કે દુનિયામાં વસ્તુઓને બે ભાગમાં વહેંચો.

જે આપણા નિયંત્રણમાં છે : આપણા વિચારો, આપણું વર્તન, આપણી મહેનત અને આપણી પ્રતિક્રિયા.

જે આપણા નિયંત્રણમાં નથી : હવામાન, ટ્રાફિક, અર્થતંત્ર, ભૂતકાળ અને સૌથી મહત્વનું - બીજા લોકોના વિચારો. સ્ટોઈક લોકો માને છે કે આપણે આપણી બધી જ ઊર્જા ફક્ત તે જ વસ્તુઓ પર લગાવવી જોઈએ જે આપણા હાથમાં છે. જો તમે પરિણામની ચિંતા છોડીને પ્રયત્ન પર ધ્યાન આપો, તો અડધો તનાવ આપોઆપ ગાયબ થઈ જશે.

૨. નકારાત્મક વિઝયુલાઇઝેશન :

આપણે હંમેશા સારું વિચારવાની સલાહ આપીએ છીએ, પણ સ્ટોઈક લોકો 'સૌથી ખરાબ' વિચારવાનું કહે છે. જ્યારે તમે અગાઉથી વિચારી લો છો કે 'જો હું આ પરીક્ષામાં નાપાસ થઈશ તો શું?' અથવા 'જો મારી નોકરી જતી રહેશે તો શું?', ત્યારે તમે માનસિક રીતે તૈયાર થઈ જાવ છો. આ ડરને દૂર કરવાની રીત છે. જ્યારે તમે સૌથી ખરાબ પરિસ્થિતિ સ્વીકારી લો છો, ત્યારે તમારો ડર ઓગળી જાય છે.

૩. વર્તમાનની ક્ષણ :

ભૂતકાળ એ પથ્થર જેવો છે જેને બદલી શકાતો નથી, અને ભવિષ્ય એ ધુમ્મસ જેવું છે જે દેખાતું નથી. આપણી પાસે જે છે તે માત્ર 'અત્યાર' છે. સ્ટોઈક વિચારકો કહે છે કે અત્યારની ક્ષણને પૂરતી જાગૃતિ સાથે જીવવી એ જ સાચું સુખ છે.

આધુનિક જીવનમાં ઉપયોગ

તમારી ઓફિસમાં, ઘરમાં કે મુસાફરીમાં, સ્ટોઈકિઝમ દરેક જગ્યાએ કામ લાગે છે

સોશિયલ મીડિયાના યુગમાં : આજે આપણે બીજાના લાઈક્સ અને કોમેન્ટ્સ પર નિર્ભર છીએ. સ્ટોઈક વ્યક્તિ જાણે છે કે બીજાના અભિપ્રાયો તેના નિયંત્રણમાં નથી, તેથી તે તેનાથી વિચલિત થતો નથી.

સંબંધોમાં : જ્યારે કોઈ આપણું અપમાન કરે, ત્યારે સ્ટોઈકિઝમ શીખવે છે કે 'તે વ્યક્તિ તેની સમજ મુજબ વર્તે છે, મારું મૂલ્ય તેના શબ્દોથી ઓછું નથી થતું.'

નિષ્ફળતામાં : નિષ્ફળતાને હાર માનવાને બદલે તેને 'ફીડબેક' તરીકે જોવાની દ્રષ્ટિ સ્ટોઈકિઝમ આપે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે જે 'સ્થિતપ્રજ્ઞા' પુરુષના લક્ષણો કહ્યા છે, સ્ટોઈકિઝમ તેની ખૂબ નજીક છે. તે આપણને શીખવે છે કે સુખ બહારની વસ્તુઓમાં નથી, પણ આપણી અંદરની વિચારવાની પદ્ધતિમાં છે.

બીજી ઘણી ફિલોસોફીઓ તે સમયના રાજાઓ કે અમીરો માટે હતી, પણ સ્ટોઈકિઝમ 'Stoa' (જાહેર જગ્યા) પર શરૂ થઈ હોવાથી તે સામાન્ય માણસો માટે હતી. ત્યાં ગરીબ, અમીર, ગુલામ કે રાજા કોઈપણ આવીને જીવન જીવવાની કળા શીખી શકતું હતું.

જ્યારે તમે સ્ટોઈક બનો છો, ત્યારે તમે નાની-નાની વાતોમાં ગુસ્સે થવાનું કે પરેશાન થવાનું છોડી દો છો. તમે સમજો છો કે દુનિયા તમારા પ્રમાણે નહીં ચાલે, પણ તમે તમારી જાતને દુનિયા સામે કેવી રીતે મજબૂત રાખવી તે શીખી જાઓ છો.

સ્ટોઈકિઝમ સમજવા માટે ત્રણ મહાન વિચારકો અને તેમના પુસ્તકો પાયા સમાન છે. આ પુસ્તકો આજે પણ દુનિયાભરના  સફળ લોકો 

વાંચે છે :

૧. માર્કસ ઓરેલિયસ - મેડિટેશન્સ

માર્કસ ઓરેલિયસ રોમન સામ્રાજ્યના સૌથી શક્તિશાળી સમ્રાટ હતા. તેમણે આ પુસ્તક કોઈને છાપવા માટે નહીં, પણ પોતાની જાતને માર્ગદર્શન આપવા માટે લખ્યું હતું. તેનો મુખ્ય મેસેજ એ છે કે   દુનિયા ગમે તેવી અસ્તવ્યસ્ત હોય, પણ તમારા મનની શાંતિ તમારા પોતાના હાથમાં છે. તમારા મન પર તમારો અધિકાર છે, બહારની ઘટનાઓ પર નહીં. આ સમજી લો અને તમને તાકાત મળશે.'

૨. સેનેકા  - 

લેટર્સ ફ્રોમ અ સ્ટોઈક 

સેનેકા એક પ્રખ્યાત નાટયકાર અને રાજકારણી હતા. તેમણે તેમના મિત્રોને લખેલા પત્રોમાં જીવનની વ્યવહારુ સમસ્યાઓ જેવી કે - મિત્રતા, ગરીબી, સફળતા અને મૃત્યુ વિશે વાત કરી છે.તેના ઉપદેશનો સાર એવો રહ્યો કે  'આપણે વાસ્તવિકતા કરતા કલ્પનામાં વધુ દુ:ખી થઈએ છીએ.'

૩. એપિક્ટેટસ -  એન્કાયરિડિયન

એપિક્ટેટસ એક ગુલામ તરીકે જન્મ્યા હતા, પરંતુ તેમની વિચારસરણી એટલી ઊંચી હતી કે તેઓ એક મહાન શિક્ષક બન્યા. તેમનું પુસ્તક 'હેન્ડબુક' જેવું છે.

તેમણે એક સરસ વાત લખી છે કે 'માણસને વસ્તુઓ હેરાન નથી કરતી, પણ એ વસ્તુઓ વિશેના તેના 'વિચારો' હેરાન કરે છે.'

અત્યારે  વિશ્વમાં સ્ટોઈસીસમ પરના પુસ્તકો બેસ્ટ સેલર છે કેમ કે આધુનિક લેખકોએ તેને વર્તમાન દુનિયા સાથે ઉકેલ તરીકે જોડયા છે.

કામનો તનાવ

ધારો કે તમારી ઓફિસમાં કામનું ભારણ વધી ગયું છે અથવા તમારા બોસ તમારા કામથી ખુશ નથી. એક સ્ટોઈક વ્યક્તિ આ રીતે વિચારશે :

નિયંત્રણમાં શું છે? મારી મહેનત, મારું ફોકસ અને હું કેટલા વાગ્યે કામ શરૂ કરું છું તે મારા હાથમાં છે.

નિયંત્રણ બહાર શું છે? બોસનો મૂડ, કંપનીની પોલિસી અથવા બીજા સહકર્મચારીઓનું રાજકારણ.

ઉકેલ : પરિણામની ચિંતા કરવાને બદલે, અત્યારે જે કામ સામે છે તેને શ્રેષ્ઠ રીતે પૂરું કરવામાં ધ્યાન આપો. જો બોસ ખરાબ બોલે, તો તેને પર્સનલ લેવાને બદલે વિચારો 'તેમનો સ્વભાવ તેમના હાથમાં છે, પ્રતિભાવ મારા હાથમાં છે.'

૨. સંબંધો  : સંબંધોમાં ઘણીવાર આપણે સામેની વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ જે દુ:ખનું કારણ બને છે.

અપેક્ષાનો ત્યાગ : તમે કોઈને પ્રેમ કરી શકો છો, પણ તે વ્યક્તિ તમને બદલામાં એટલો જ પ્રેમ કરે અથવા તમારી સાથે સારો વ્યવહાર કરે તે તમારા નિયંત્રણમાં નથી.

પ્રતિભાવ : જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે, તો સ્ટોઈકિઝમ કહે છે કે - 'તે વ્યક્તિ અજ્ઞાની છે અથવા તે ભૂલ કરી રહી છે.' તેના પર ગુસ્સે થઈને તમે તમારી શાંતિ કેમ બગાડો છો?

અમૂલ્ય ક્ષણો : સેનેકા કહેતા કે તમારા પ્રિયજનો સાથે એવી રીતે જીવો કે જાણે આ છેલ્લી મુલાકાત હોય. આનાથી તમારા મનમાં કડવાશ ઓછી થશે અને પ્રેમ વધશે.

અત્યારે પરીક્ષાની સીઝન ચાલે છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ આ ફિલસોફી ઉપયોગી નીવડી શકે છે.

'પ્રયત્ન મારો છે, પરિણામ કુદરતનું છે' સ્ટોઈક વ્યક્તિ 

માને છે કે :

મારા હાથમાં શું છે? - પુસ્તકો વાંચવા, રાત્રે જાગીને મહેનત કરવી, પ્રામાણિકતાથી પેપર લખવું.

મારા હાથમાં શું નથી? :  પેપર કેટલું અઘરું નીકળશે, પરીક્ષક કેવા મૂડમાં હશે, અથવા બીજા વિદ્યાર્થીઓનું પ્રદર્શન કેવું હશે.

મંત્ર : 'મેં મારી મહેનતમાં કોઈ કસર છોડી નથી, હવે જે પરિણામ આવે તે સ્વીકારવા હું તૈયાર છું.'

'સૌથી ખરાબ 

શું થઈ શકે?' 

જો હું નાપાસ થઈશ તો? કદાચ મારે ફરી મહેનત કરવી પડશે અથવા મારો થોડો સમય બગડશે. પણ શું એનાથી મારું જીવન પૂરું થઈ જશે? ના. * જ્યારે તમે 'વર્સ્ટ કેસ સિનારિયો' સ્વીકારી લો છો, ત્યારે તમારો ડર ઓગળી જાય છે અને તમે વધુ સારી રીતે પરફોર્મ કરી શકો છો.

ભાગ્યને પ્રેમ કરો

આ એક શક્તિશાળી સ્ટોઈક શબ્દ છે. જેનો અર્થ છે કે જે કંઈ પણ થાય, તેને ફક્ત સ્વીકારો જ નહીં, પણ તેને પ્રેમ કરો.

જો તમે સફળ થાઓ, તો નમ્ર રહો.

જો તમે નિષ્ફળ જાઓ, તો માનો કે આ નિષ્ફળતા તમને વધુ મજબૂત બનાવવા અથવા કોઈ નવો રસ્તો બતાવવા માટે આવી છે.

સ્ટોઈક ચેલેન્જ  : આવતીકાલે સવારથી રાત સુધી તમારે આ ૩ નિયમો પાળવાના છે :

શબ્દો પર કાબૂ : મોઢેથી કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં કરવાની. (દા.ત. 'બહુ ગરમી છેં', 'કામ બહુ વધારે છે', 'આ માણસ કેટલો ખરાબ છે' - આવું બોલવાનું ટાળો.)

વિચારો પર કાબૂ : જો મનમાં ફરિયાદ આવે, તો તરત જ પોતાને યાદ અપાવો - 'શું આ મારા કાબૂમાં છે? જો નથી, તો મારે તેને સ્વીકારવું જોઈએ.'

સ્મિત સાથે સ્વીકાર : જો કંઈક ખોટું થાય (જેમ કે ચા મોડી મળે અથવા કોઈ ટ્રાફિકમાં આડું આવે), તો ગુસ્સે થવાને બદલે મનમાં કહો - 'આ તો સ્ટોઈકિઝમની પ્રેક્ટિસ કરવાની એક તક છે!'

જ્ઞાન પોસ્ટ  

'તમારી પાસે સત્તા છે કે તમે કોઈ પણ ઘટના વિશે કોઈ અભિપ્રાય ન આપો અને તમારા મનની શાંતિ જાળવી રાખો.' 

- તત્ત્વજ્ઞાની  ઓરેલિયસ