શતરંગ / Spirit of Cricketના વિવાદે જ્યારે લોર્ડ્સના મેમ્બર્સ પાસે અણછાજતું વર્તન કરાવ્યું

- ફ્રી હિટ
આપણે ફ્રી હીટમાં દર શુક્રવારે ક્રિકેટના ઈતિહાસ અને ઐતિહાસિક ઘટનાઓને યાદ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે કોઇપણ ઘટના ઈતિહાસનો ભાગ ત્યારે જ બને છે જ્યારે તે ઘટના લગભગ અડધી સદી પૂર્ણ કરી ચૂકી હોય. પરંતુ આજે આપણે એ ઘટના વિશે વાત કરવાની છે જે આ 2જી જુલાઈએ માંડ એક વર્ષ પૂર્ણ કરશે.
આ ઉતાવળ પાછળ કારણો ઘણા છે. તેમાંથી એક મોટું કારણ છે અંગ્રેજોના દંભને ખુલ્લો પાડવાનું. આપણે આ ઘટના પાછળ રહેલા લગભગ તમામ કારણો વિશે જાણીશું પરંતુ તેમાં આ અંગ્રેજી દંભને ખુલ્લો પાડવાની વાત મુખ્ય રહેવાની છે.
બન્યું એવું કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ ટેસ્ટ ક્રિકેટના ઘર કહેવાતા લોર્ડ્સમાં રમાઈ રહી હતી. છેલ્લો દિવસ હતો તેમ છતાં મેચ બેલેન્સમાં હતી. લંચ પડવાને હજી વાર હતી. આવા સમયે ઓસ્ટ્રેલિયાના વિકેટ કિપર એલેક્સ કેરીએ નોંધ્યું કે અંગ્રેજ બેટર જોની બેરસ્ટ્રો અમ્પાયર ઓવર બોલે એ પહેલાં જ પોતાની ક્રિઝ છોડી દે છે અને આવું તેણે એક નહીં પણ અનેક વાર કર્યું હતું.
કેરીએ આ વાત પોતાના કેપ્ટન પેટ કમિન્સને કહી, તો કમિન્સે કહ્યું કે હવે બેરસ્ટ્રો આવું કરે તો સ્ટમ્પ ઉડાડી દેજે. બન્યું પણ એવું. ઇંગ્લેન્ડને જીતવા માટે હજી 178 રન્સ જોઈતા હતા અને એક ઓવર પૂરી થઇ કે જોનીભાઈ આદત અનુસાર અમ્પાયર હજી ઓવર બોલે એ પહેલાં જ ક્રિઝમાંથી બહાર નીકળીને પોતાના સાથી બેટરને મળવા માટે નીકળી પડ્યા.
એલેક્સ કેરીએ જોનીની ભૂલનો તુરંત લાભ લેતાં બોલ સ્ટમ્પને મારી દીધો અને લેગ અમ્પાયરને અપીલ કરી દીધી. હવે અપીલ કરી એટલે અમ્પાયરે નિયમ અનુસાર થર્ડ અમ્પાયરને પૂછવું જ પડે. થર્ડ અમ્પાયર પણ શું અલગ નિર્ણય આપી શકવાનો હતો જ્યારે બેરસ્ટ્રો ખરેખર ક્રિઝની બહાર નીકળી ચૂક્યો હતો. અમ્પાયરે પણ કન્ફર્મ કર્યું કે તેણે હજી ઓવર પૂરી થઇ છે એવું જાહેર નહોતું કર્યું.
પરિણામે ક્રિકેટના નિયમો હેઠળ જોની બેરસ્ટ્રોને સ્ટમ્પ આઉટ અપાયો અને હોબાળો મચી ગયો. અંગ્રેજોને અચાનક જ Spirit of Cricket યાદ આવી ગયું અને ઓસ્ટ્રેલિયનોને શક્ય હોય એટલા અપશબ્દો લોર્ડ્સના ક્રાઉડે આપવાના શરુ કરી દીધા. અંગ્રેજ કોમેન્ટેટરો ટીવી અને રેડિયો પર અને અંગ્રેજ પત્રકારોએ વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર રૂદાલી રુદન શરુ કરી દીધું.
વાત અહીં જ અટકી નહીં. આ ઘટના બાદ જ્યારે લંચ પડ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ લોર્ડ્સના પ્રખ્યાત લોંગ રૂમમાંથી ઉપર પેવેલીયનમાં જઈ રહ્યા હતા ત્યારે નખશિખ સજ્જન કહેવાતા MCC મેમ્બર્સે તેમનો હુરિયો બોલાવ્યો આટલું જ નહીં ત્રણ મેમ્બરોએ તો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને અપશબ્દ કહ્યા અને વાત મારામારીની સરહદ સુધી આવીને અટકી ગઈ હતી. આવું MCCના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું.
MCCએ ત્યારબાદ CCTVના ફૂટેજ ચેક કર્યા અને પેલા ત્રણ મેમ્બર્સને ક્લબની મેમ્બરશીપમાંથી કાયમ માટે સસ્પેન્ડ કરી દીધા. લંચ રૂમમાં મોટેભાગે બંને ટીમોના ખેલાડીઓ નજીક નજીક રહીને લંચ કરતા હોય છે. ગુસ્સે ભરાયેલા જોની બેરસ્ટ્રોએ જેવા ડેવિડ વોર્નર અને મિચેલ માર્શને લંચ કરતા જોયા કે તે તરત જ તેમની પાસે ગયો.
જોની બેરસ્ટ્રોએ ગુસ્સામાં ને ગુસ્સામાં આ બંનેને પૂછ્યું પણ ખરું કે શું તેમને આ જે થયું એ અયોગ્ય નથી લાગતું? ડેવિડ વોર્નર તો ચૂપ રહ્યો પરંતુ મિચેલ માર્શે જરા પણ શરમાયા વગર ના પાડી દીધી અને બેરસ્ટ્રો છોભીલો પડીને જતો રહ્યો.
આ ઘટના જેની પાછળ અંગ્રેજ ખેલાડીઓ, ફેન્સ અને સમગ્ર અંગ્રેજ મિડિયા છાજીયા લેતા હતા તેની અગાઉ એ જ ટેસ્ટમાં જ્યારે બેન ડકેટનો એક અઘરો કેચ બાઉન્ડ્રી પર મિચેલ સ્ટાર્કે કર્યો હતો પરંતુ એક્શન રિપ્લે પાક્કી ખાતરી નહોતી કરાવતી કે સ્ટાર્ક દ્વારા પકડવામાં આવેલો કેચ સાફ હતો કે નહીં. જો અંગ્રેને Spirit of Cricket એટલું જ વ્હાલું હોત તો અમુક રિપ્લે જે સ્પષ્ટ દેખાડતી હતી કે સ્ટાર્કનો કેચ સાફ હતો તો ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ડકેટને ઈશારો કરીને પરત બોલાવી લેવો જોઈતો હતો!
પરંતુ અંગ્રેજોની આ જ ‘ખાસિયત’ છે, જ્યારે તેઓ ક્રિકેટની ભાવનાનો ભંગ કરે છે ત્યારે તે ક્રિકેટના નિયમ અનુસાર રમતા હોય છે અને જ્યારે સામેવાળી ટીમ ક્રિકેટના નિયમ હેઠળ રમતી હોય છે ત્યારે અંગ્રેજોને ક્રિકેટની ભાવના યાદ આવી જતી હોય છે.
ક્રિકેટના નિયમો હેઠળ રમવું કે ક્રિકેટની ભાવના હેઠળ? આ એક મોટો પ્રશ્ન છે જેના વિશે આપણે આગામી દિવસોમાં ટાઈમ આઉટ કોલમમાં ચર્ચા કરીશું.
- સિદ્ધાર્થ છાયા

