Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / શિશિર રમાવત : GSTV Shatrang: Art, Creativity and Cannes

GSTV શતરંગ: કલા, ક્રિયેટિવિટી અને કાન

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: કલા, ક્રિયેટિવિટી અને કાન
સોર્સ : GSTV

– સિનેમા એક્સપ્રેસ

App Store

– શિશિર રામાવત

હંમેશાં ગાજતો રહેતો અને ગ્લેમરથી છાકમછોળ થતો કાન ફિલ્મ ફેસ્ટિવલ હજુ ગઈકાલે જ પૂરો થયો. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનો સ્પેલિંગ ભલે કાન્સ કે કેન્સ (C-A-N-N-E-S) થતો હોય, પણ તેનો ઉચ્ચાર 'કાન' થાય છે. ફ્રાન્સના દક્ષિણે આવેલા કાન નામના રળિયામણા શહેરમાં ૧૨થી ૨૩ મે સુધી ચાલેલા આ ફિલ્મ ફેસ્ટિવલની તમામ કેટેગરીને ગણતરીમાં લઈએ, તો આ વખતે ૪૦થી ૪૫ દેશોની કુલ ૧૨૦થી ૧૨૫ જેટલી ચુનંદી ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું હતું. કઈ કઈ ફિલ્મો આ વખતના ફેસ્ટિવલમાં ખૂબ ગાજી? ચાલો, જોઈએ.

ધ ઇલેક્ટ્રિક કિસ

કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલનું ઓપનિંગ 'ધ ઈલેક્ટ્રિક કિસ' નામની ફ્રેન્ચ ફિલ્મથી થયું. ૧૯૨૦ના દાયકાના પેરિસનો સમયગાળો છે. એન્ટોઇન નામનો એક પેઇન્ટર છે. બાપડાની પત્નીનું અવસાન થઈ ગયું છે એટલે એ દુખી દુખી છે, ને એની ક્રિયેટિવિટી સૂકાઈ ગઈ છે. આવી હાલતમાં એના જીવનમાં સુઝેન નામની એક ચાલાક યુવતી આવે છે. પેઇન્ટરને લાગે છે કે આ તો મારી સ્વર્ગે સીધાવી ગયેલી પત્ની જ છે. શરૂઆતમાં સુઝેન એને છેતરવા જ માગતી હતી, પણ ધીમે ધીમે એને પેઇન્ટરબાબુ સાથે ખરેખર પ્રેમ થવા લાગે છે. ચિત્રકારની થીજી ગયેલી સર્જકતા સળવળીને પાછી બેઠી થાય છે ને પછી જે થવાનું હોય તે થઈને રહે છે.

ટીનેજ સેક્સ એન્ડ ડેથ એટ કેમ્પ મિઆઝ્મા

આપણને થાય કે આ ફોરેનવાળા ફિલ્મનું ટાઇટલ રાખવામાં આટલી બધી આળસ શા માટે કરતા હશે? આપણી કોઈ ભારતીય ફિલ્મનું ટાઇટલ 'મિઆઝ્મા કેમ્પમાં તરૂણ વયે થતું સેક્સ અને મૃત્યુ' હોય એવું તમે વિચારી શકો છો? એનીવે, આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલની 'અ સર્ટન ગ્લાન્સ' (Un Certain Regard) નામની કેટેગરીનું ઓપનિંગ આ અમેરિકન-કેનેડિયન ફિલ્મથી થયું હતું. આ 'ફિલ્મ-વિધિન-અ-ફિલ્મ' (ફિલ્મની અંદર ફિલ્મ) છે.

સ્ટોરી એવી છે કે 'કેમ્પ મિઆઝ્મા' નામની ખૂનખરાબાથી ભરપૂર એક ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે. ઘણા સમયથી આ સિરીઝની કોઈ નવી ફિલ્મ આવી નથી એટલે ક્રિસ નામના ફિલ્મમેકરને થાય છે કે લાવને, હું એક ફિલ્મ બનાવી કાઢું. એ ઓરિજિનલ સિરીઝની હિરોઈન બિલીનો સંપર્ક કરે છે અને એને પોતાની ફિલ્મમાં કામ કરવા મનાવી લે છે. બિલી વિચિત્ર અને રહસ્યમય સ્ત્રી છે. ક્રિસ અને બિલી ઓરિજિનલ લોકેશન પર રેકી કરવા જાય છે. આ જગ્યા હવે સાવ વેરાન થઈ ચૂકી છે.... અને પછી ભેદભરમથી ભરપૂર ઘટનાઓનો એવો સિલસિલો શરૂ થાય છે કે કલ્પના શું છે અને વાસ્તવિકતા શું છે એ જ સમજાતું નથી.

ફાધરલેન્ડ

આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ હોય તો તે છે એની હિરોઈન, సెન્ડ્રા હુલર (Sandra Hüller). ૨૦૨૩માં આવેલી 'એનેટોમી ઓફ અ ફોલ' નામની ફિલ્મથી એ વિશ્વસ્તરે એકદમ પ્રકાશમાં આવી હતી. છેલ્લે આપણે એને 'પ્રોજેક્ટ હેઇલ મેરી'માં જોઈ. 'ફાધરલેન્ડ'ની કહાણી એવી છે કે થોમસ મેન નામનો એક નોબેલ પ્રાઇઝ વિજેતા લેખક છે, જે ૧૯૪૯માં પોતાની માતૃભૂમિ જર્મની પાછો ફરે છે. સાથે એની દીકરી એરિકા (સેન્ડ્રા હુલર) છે. દીકરી પણ લેખિકા છે અને એ એક્ટિંગ પણ કરે છે. તેમણે સોળ વર્ષ પછી જર્મનીમાં પગ મૂક્યો છે.

બાપ-દીકરી કાર લઈને આખો દેશ ઘૂમવા નીકળી પડે છે. આ સમયગાળામાં તો કેટકેટલું થઈ ગયું છે! બીજું લોહિયાળ વિશ્વયુદ્ધ ખેલાઈ ચૂક્યું છે અને કેટલીય રાજકીય ઉથલપાથલ થઈ ગઈ છે. પોતાની જન્મભૂમિની આવી હાલત જોઈને બાપ-દીકરીનું હૃદય કકળી ઊઠે છે. આ જર્મન ફિલ્મના ડિરેક્ટર પેવલ પેવલિકોવ્સ્કીની એક વાત ફિલ્મી વર્તુળોમાં અવારનવાર ટાંકવામાં આવે છે. પેવલે કહ્યું હતું કે કોઈ પણ ફિલ્મની પરફેક્ટ લેન્થ ૮૫ મિનિટ છે. તેમના હિસાબે ફિલ્મ ૧ કલાક ૨૫ મિનિટ કરતાં વધારે લાંબી ન હોવી જોઈએ. તેઓ કહે છે કે ફિલ્મની સ્ટોરી ભલેને દોઢસો વર્ષના સમયગાળામાં આકાર લેતી હોય, પણ કાબેલ રાઇટર-ડિરેક્ટર આખી વાતને ૧ કલાક ૨૫ મિનિટમાં સમેટી જ શકે છે. તમારું શું કહેવું છે, આદિત્ય 'ધુરંધર' ધર?

પેરેલલ સ્ટોરીઝ

આ ફ્રેન્ચ ફિલ્મમાં પણ એક કલાકારની વાત છે. સિલ્વી નામની એક લેખિકા છે, જે પોતાના એક પાડોશીની જાસૂસી કરી રહી છે. શા માટે? પોતાની નવી નવલકથા માટે 'મસાલો' મળી રહે, એટલે! એ એડમ નામના એક યુવાનને પોતાના આસિસ્ટન્ટ તરીકે નોકરીએ રાખે છે. એને ક્યાં ખબર હતી કે આ જુવાનિયો એની લાઇફને કલ્પના ન થઈ શકે એટલી હદે ઉલટપુલટ કરી નાખવાનો છે? 'પેરેલલ સ્ટોરીઝ' ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે એના ડિરેક્ટર અસગર ફરહાદી. આ ઇરાનિયન ફિલ્મમેકર ઓલરેડી બબ્બે ઓસ્કર એવોર્ડ જીતીને બેઠા છે.

પેપર ટાઇગર

તમે 'મેરેજ સ્ટોરી' નામની અફલાતૂન ફિલ્મ જોઈ છે? ન જોઈ હોય તો ઓટીટી પર શોધીને જોઈ કાઢજો. આ ફિલ્મનાં બંને મુખ્ય કલાકારો સ્કાર્લેટ જોહાનસન અને એડમ ડ્રાઇવર 'પેપર ટાઇગર'નાં પણ હીરો-હિરોઇન છે. 'મેરેજ સ્ટોરી' કરતાં સાવ જુદા ઢાળની આ ફિલ્મમાં ન્યૂ યોર્કમાં વસતા બે ભાઈઓની વાત છે. બંનેની તાસીર એકબીજા કરતાં સાવ જુદી. બંને જણા રશિયન માફિયાનું નેટવર્ક જોઈન કરે છે. એમને એમ કે થોડોક સમય કાળાં-ધોળાં કામ કરીને ખૂબ બધું કમાઈ લઈશું, પણ થાય છે સાવ ઊલટું. એમના પરિવારો અને પારસ્પરિક સંબંધો પર એટલા મોટા ખતરા ઊભા થઈ જાય છે કે જેની તેમણે કલ્પના પણ કરી નહોતી.

ફીઓર્ડ

એક રોમેનિયન-નોર્વેજીયન કપલ છે, જે દરિયાકાંઠે વસેલા એક શાંત ગામડામાં રહેવા આવે છે. શરૂઆતમાં તો બધું સાધારણ લાગે છે, પણ ધીમે ધીમે પારિવારિક સંઘર્ષ, મનમાં ઊંડે સુધી ઘર કરી ગયેલો ડર અને ગામના લોકોની શંકા જેવાં તત્ત્વો ઉમેરાતાં જાય છે. ભૂતકાળમાં કાન ફિલ્મોત્સવનો સૌથી પ્રતિષ્ઠિત 'ગોલ્ડન પામ' (Palme d'Or) એવોર્ડ જીતી ચૂકેલા ક્રિસ્ટિઅન મુંજીઉ નામના રોમેનિયન ડિરેક્ટરની આ પહેલી ઇંગ્લિશ ફિલ્મ છે.

ભારતીય ફિલ્મોની હાજરી

હવે થોડું વિષયાંતર કરીએ. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ગોલ્ડન પામ જેવી મેઇન કોમ્પિટિશનમાં કે 'અ સર્ટન ગ્લાન્સ' કેટેગરીમાં એક પણ ફુલલેન્થ ભારતીય ફિલ્મની પસંદગી નહોતી, પણ અન્ય કેટેગરીમાં કુલ ૯ ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું – સાત ફુલલેન્થ, એક ડોક્યુમેન્ટરી અને એક શોર્ટ ફિલ્મ. આ ફિલ્મોનો ફક્ત નામોલ્લેખ કરી લઈએ:

  • 'અમ્મા એરિયાન' (૧૯૮૬માં બનેલી મલયાલી માસ્ટરપીસ)
  • 'બાલન: ધ બોય' (મલયાલી)
  • 'સપ્ટેમ્બર ૨૧' (હિન્દી-કન્નડ)
  • 'ચંદ્રિકલા' (પંજાબી)
  • 'જોસેફ્સ સન' (મણિપુરી)
  • 'કારકેન' (અરુણાચલ પ્રદેશની ગોલા નામની બોલીમાં બનેલી ફિલ્મ)
  • 'માય થ્રી સિસ્ટર્સ' (આસામની બોડો બોલીમાં બનેલી ફિલ્મ)
  • 'શેડોઝ ઓફ ધ મૂનલેસ નાઇટ્સ' (શોર્ટ ફિલ્મ)
  • 'સ્પિરિટ ઓફ ધ વાઇલ્ડફ્લાવર' (ફુલલેન્થ ડોક્યુમેન્ટરી)

કાન ફિલ્મોત્સવમાં જુદી જુદી કેટેગરીની ફિલ્મોના સ્ક્રીનિંગ્સની સમાંતર 'માર્શે દુ ફિલ્મ' (Marche du Film - કાન ફિલ્મ માર્કેટ) નામની કમર્શિયલ ગતિવિધિ ચાલતી હોય છે. જેમાં આ વખતે નેશનલ ફિલ્મ એવોર્ડ વિનિંગ ગુજરાતી અભિનેત્રી અને નિર્માત્રી માનસી પારેખે ૩૫ ગુજરાતી ફિલ્મોનું આખું ગુચ્છ ઇન્ટરનેશનલ વિતરકો અને ખરીદદારો સામે પેશ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ એક અત્યંત મહત્ત્વની ઘટના છે.

આ લેખમાં ઉલ્લેખ પામેલી ફિલ્મો નોંધી રાખજો, કેમ કે આવતા મહિનાઓમાં એમાંની ઘણીખરી ફિલ્મો કોઈક ને કોઈક મંચ પર ગાજતી રહેવાની છે. સાથે સાથે એ પણ નોંધી લો કે એવી પણ ઘણી ઉત્તમ ફિલ્મો હોવાની, જેનો અહીં નામોલ્લેખ થયો નથી. મહત્ત્વની ફિલ્મો આખરે તો વાજતેગાજતે માંડવે આવી જ જતી હોય છે, ખરું ને?

શો-સ્ટોપર

"આપણે એવી ફિલ્મો કેમ ન બનાવી શકીએ જેમાં સ્ટોરીટેલિંગ પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હોય? મુખ્ય પાત્ર સ્ત્રી હોય કે પુરુષ, એનાથી શા માટે ફર્ક પડવો જોઈએ?"

– આલિયા ભટ્ટ

(કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન)

ટોપિક્સ:cannes 2026gstv newsfatherland