Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

શતરંગ / માર્ગ અનેક, ટોચ એક!!!

Timeછેલ્લું અપડેટ : 04 May 2024
લાઇવ ટીવીGoogle News
શતરંગ / માર્ગ અનેક, ટોચ એક!!!

- વિચારોનો ઓટલેથી...

App Store

શ્રી રામકૃષ્ણદેવે અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જ જતા હોય છે.

     શ્રી રામકૃષ્ણ મિશન અને શ્રી રામકૃષ્ણ મઠ, ભારતમાં સ્થપાયેલી આ સંસ્થાઓ વિશ્વની એવી એક માત્ર સંસ્થા છે કે જ્યાં સર્વ ધર્મોનો, જાહેરમાં, સમાન ભાવે, સ્વીકાર કરવામાં આવ્યો છે. આજની તારીખે દેશ અને વિશ્વ જ્યારે વિપથગામી પરિબળોના હાથમાં જકડાઈ રહ્યાં  છે, ત્યારે મિશન અને મઠ દ્વારા જે પ્રવૃત્તિઓ સ્થાપના કાળે થતી હતી તેના તર્કમાં કે તેના આયોજનમાં કશો જ ફેરફાર કર્યા વગર, જીવ માત્ર માટે થઈ રહી છે.

     'મેન મેકિંગ એજ્યુકેશન' ની વાત કરનાર સ્વામી શ્રી વિવેકાનંદ દ્વારા બહુ જ ચાયતથી સ્થાપવામાં આવેલી આ સંસ્થા વિશ્વની એવી સંસ્થા છે કે જેમાં વર્ષો પછી નાનકડા અક્ષરનો કે ઉદ્દેશનો કાગળ ઉપર કે વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. આનું કારણ એ છે કે સ્વામી વિવેકાનંદને એવા ગુરુ મળ્યા હતા કે, જે ગુરુએ ક્યારેય પોતે અનુભવ કર્યા સિવાયની વાત કરી ન હતી. શ્રી રામકૃષ્ણ ‘પરમહંસ’ એટલે કહેવાયા કે, તેઓ પોતાનું જીવન અનેક ધર્મોમાં ગાળીને પરત ‘રામકૃષ્ણ’ બન્યા હતા.

     રામકૃષ્ણદેવે બહુ નોખો પ્રયોગ કર્યો આ પૃથ્વી ઉપર. બધા જ ધર્મોનો એમણે ખુદે અનુભવ કર્યો. હિન્દુઓની જેમ સાધના કરી, મુસલમાન બનીને મુસ્લિમ ધર્મની સાધના કરી, બુદ્ધની જેમ બૌદ્ધ ધર્મની  સાધના કરી. આવું ક્યારેય કોઈએ કર્યું નોહ્તું. કારણ કે, જેઓ એક માર્ગથી જ ટોચે પહોંચી ગયા તેઓ સંતુષ્ટ થઇ ગયા એટલે તેઓ હવે બીજા માર્ગ વિશે કેમ કોઈ આગળ વાત કરી શકે? પરંતુ રામકૃષ્ણદેવ બહુ મોટી અનુકંપાના દેવ હતા. એક સ્થાને પહોંચ્યા પછી ફરી પાછા એ તળેટીમાં આવી જતા અને કોઈ બીજો માર્ગ પકડીને ત્યાંથી ઉપર ચડતા હતા. આવું એમણે અનેકવાર કર્યું હતું. કારણ કે દુનિયાને તેઓ કહી શકે કે, મારા અનુભવના આધાર ઉપરથી  હું સ્પષ્ટ કહું છું કે, બધા જ રસ્તાઓ એક જ શિખર ઉપર પહોંચાડે છે.

     રામકૃષ્ણદેવ અધિકારી પરમહંસ હતા. અહીંયા કોઈ બૌદ્ધિક સમન્વયની વાત નહોતી કે  વાંચેલી, વિચારેલી વાત નહોતી. પણ પોતે પોતાના જીવનમાં અમલમાં મૂકેલી હતી. અને તેમના આધારે એમણે કહ્યું હતું, બધા જ ધર્મમાં સત્ય છે, ઉદારતા છે, સહિષ્ણુતા છે. શ્રી રામકૃષ્ણદેવના આ નિજી અનુભવના આધારે તેઓએ પ્રસ્થાપિત કર્યું કે, બધા જ ધર્મો તો એક જ ટોચ પર પહોંચે છે. તેઓએ પહોંચીને પ્રયોગ કર્યો અથવા પ્રયોગ કરીને પહોંચતા રહ્યા.

     આશ્ચર્યની વાત એ છે કે, બંગાળમાં એક પ્રચલિત સખી સંપ્રદાય છે, કે જ્યાં તેઓ સૌ પોતાની જાતને સખી માને છે, અને એના પરમાત્મા કૃષ્ણ છે તેવું સ્વીકારે છે. હદ તો ત્યાં થાય છે કે આ સંપ્રદાય રાત્રે જ્યારે સુવે ત્યારે સ્ત્રીઓના કપડા પહેરે છે, અને પોતાની નજીકમાં કૃષ્ણની મૂર્તિ રાખીને સુવે છે, જાણે કોઈ પત્ની પોતાના પતિને છાતી ઉપર ચાંપીને સૂઈ ગઈ હોય!! રામકૃષ્ણદેવે આ પંથની પણ સાધના કરી. પણ આ સાધના દરમિયાન એક બહુ જ અનોખી ઘટના બની, અકલ્પનિય ઘટના બની. સખી  સંપ્રદાયના લોકો તો રાત પૂરતા પોતાની જાતને સ્ત્રી ગણાવતા હતા અને સ્ત્રીઓના કપડા પહેરતા હતા. પરંતુ કોઈ જોવે નહીં એની કાળજી લેતા હતા, અને ધર્મની ક્રિયા પૂરી કરતા હતા. પરંતુ રામકૃષ્ણદેવે તો જે કર્યું તે સમગ્ર જાતે કર્યું. તેઓ તો દિવસ દરમિયાન પણ સ્ત્રીઓના જ કપડાં પહેરવા લાગ્યા, પછી રાત શું અને દિવસ શું, એમાં ફર્ક શા માટે રાખવો?? દિવસના પણ કૃષ્ણની મૂર્તિ છાતી સાથે લગાવીને ફરતા રહ્યા. અને એક અનોખો ચમત્કાર થયો. જેનો સમર્થ લોકોએ અભ્યાસ પણ કર્યો. અંગ્રેજી ચિકિત્સકે પણ આવીને આ વાતનું અધ્યયન કર્યું. રામકૃષ્ણદેવની આ અવસ્થા દરમિયાન તેના સ્તન વધીને સ્ત્રીઓ જેવા થવા લાગ્યા. તેઓ સ્ત્રીની ભાવ દશામાં જ જીવવા લાગ્યા. કોઈ તો કહે છે કે, રામકૃષ્ણ દેવને માસિક ધર્મ પણ શરૂ થયો, એ બહુ જ અપૂર્વક ઘટના હતી. રામકૃષ્ણદેવ ચાલે તો પણ સ્ત્રીની  ચાલથી ચાલે. આ આસાન નથી, બહુ અભ્યાસ કરીએ તો પણ આપણને મુશ્કેલી પડે છે. પણ રામકૃષ્ણદેવે આ કરવું નહોતું પડતું, પરંતુ તેઓએ તો સાધના માર્ગ પકડ્યો હતો તેથી તેઓ સર્વાંગ સ્ત્રી બનીને પૂરો સમય જીવવા લાગ્યા. એની ચાલને ઓળખવી મુશ્કેલ પડી ગઈ. તેમનો અવાજ બદલવા લાગ્યો, પુરુષના અવાજમાંથી ભેદ થયો, સ્ત્રી જેવો અવાજ થવા લાગ્યો. તે નાજુક અને એકદમ ઝીણો અવાજ થયો. છ મહિના સુધી એમની  સાધના ચાલી અને છ મહિના પછી તેઓએ ઘોષણા કરી કે, આ માર્ગ પણ સત્ય છે. માર્ગ છોડી દીધો એના છ મહિના સુધી એના સ્તન વધેલા રહ્યા, ધીરે-ધીરે -ધીરે નાના થવા લાગ્યા, ધીરે-ધીરે એમની ચાલ બદલી, ધીમે-ધીમે એમનો અવાજ પાછો આવ્યો અને ધીમે-ધીમે તેમનો માસિક ધર્મ બંધ થયો.

     અનુભવ હું અને તમે કરી શકીએ, અનુભવ સખી સંપ્રદાય કરી શકે, અનુભવ સાદા ધર્મના લોકો કરી શકે, પણ એવો અનુભવ કે જેના આધારે તમારા દેહની રચનામાં ફેરફાર થવા લાગે તેને અનુભૂતિ કહેવાય છે. શ્રી રામકૃષ્ણદેવ પરમહંસનું સ્થાન એટલે પ્રાપ્ત કરી શક્યા કે તેમણે અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જ જતાં હોય છે.

- ભદ્રાયુ વછરાજાણી