Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / મહેશ યાજ્ઞિક : The sting was in my heart and I wanted revenge. I took revenge with jaggery.

GSTV શતરંગ: ડંખ હૈયામાં હતો ને વેરની ઇચ્છા હતી ઝેરને પડતું મૂકીને ગોળથી બદલો લીધો

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ડંખ હૈયામાં હતો ને વેરની ઇચ્છા હતી ઝેરને પડતું મૂકીને ગોળથી બદલો લીધો
સોર્સ : GSTV

એ વર્ષોમાં ભાવનગર સાવ નાનું શહેર હતું, ત્યારે દલીચંદ દોશીએ ઘોઘા સર્કલ પાસે શહેરની પહેલી દવાની દુકાન કરેલી. મેડિકલ સ્ટોર જામી ગયો. વહેતા સમયની સાથે દલીચંદ દેવલોક પહોંચી ગયા પણ ત્યાં સુધીમાં એમના પુત્ર રતિલાલે સરસ રીતે કારભાર સંભાળીને આખા જિલ્લાના સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ સ્ટોર તરીકે સ્થાન મેળવી લીધું હતું. રતિલાલનું નામ શહેરના અગ્રણી શ્રીમંતોની યાદીમાં આવી ગયું હતું.

App Store

શાંત વિસ્તાર, આંબાવાડી ચોકમાં રતિલાલનો વિશાળ બંગલો હતો. ભાવનગરના એક બિલ્ડરે અમદાવાદમાં ફ્લેટની સ્કીમ મૂકી હતી. દૂરંદેશી વાપરીને રતિલાલે એમાં એક ફ્લેટ પોતાના મોટા દીકરા સુરેશના નામે બૂક કરાવ્યો હતો. ત્રણેક વર્ષમાં ફ્લેટ બની જાય, એ પછી ભાડાની આવકની રતિલાલની ગણતરી હતી.

રતિલાલને સંતાનમાં બે દીકરા. મોટો સુરેશ અને નાનો જયેશ. બંગલામાં આખો પરિવાર ખૂબ આનંદથી રહેતો હતો.

મોટા સુરેશના લગ્ન થયા અને સુધા ઘરમાં આવી. એ પછી તો વહુની સાથોસાથ જાણે લક્ષ્મીનું પણ આગમન થયું. સમૃદ્ધિ વધવા લાગી. સરકારી હોસ્પિટલની સામે એક મોકાની જગ્યાએ બીજો મેડિકલ સ્ટોર પણ ખોલી નાખ્યો. રતિલાલે વિચાર્યું કે બે દીકરા છે, એટલે બે સ્ટોર હોય તો અતિ ઉત્તમ.

સુરેશ-સુધાના લગ્નના બે વર્ષ પછી એમને ત્યાં પુત્રનો જન્મ થયો. એ જ વર્ષે જયેશના પણ લગ્ન થયા અને વહુરાણી જ્યોત્સના ઘરમાં આવી. પહેલા છ મહિના તો પરિવારનો આનંદ-ઉલ્લાસ અકબંધ રહ્યો. એ પછી જ્યોત્સનાએ પોત પ્રકાશ્યું. સાવ નાની નાની વાતમાં પણ સાસુ અને જેઠાણી સુધા સાથે વિવાદ કરવામાં એને મજા આવતી હતી. અલબત્ત, સાસુની સૂઝ-સમજ અને કડપને લીધે એ અંકુશમાં રહેતી હતી.

એક વર્ષ પછી જયેશ-જ્યોત્સનાને ત્યાં પણ પુત્રનો જન્મ થયો. આખો બંગલો હર્યોભર્યો લાગતો હતો. બંને મેડિકલ સ્ટોરની કમાણી પણ ધમધોકાર હતી. સુરેશ પિતાની સાથે જૂના સ્ટોર પર બેસતો હતો. જયેશ નવી દુકાન સંભાળતો હતો.

સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. સુરેશ-સુધાનો પુત્ર સુભાષ હવે પંદર વર્ષનો થઈ ગયો હતો અને જયેશ-જ્યોત્સનાનો પુત્ર જિગર બાર વર્ષનો હતો.

આ પરિવારની જિંદગીની ખરી કથાનો હવે આરંભ થયો.

મોડી રાત સુધી જયેશ-જ્યોત્સનાના બેડરૂમમાં એ બંને વચ્ચે જે ચર્ચા ચાલતી હતી, એનું પરિણામ એક રવિવારે આવ્યું. આખો પરિવાર સાથે બેસીને જમ્યો.

એ પછી માતા-પિતાની સામે જોઈને જયેશે ધડાકો કર્યો. 'બાપા, અમારી ઇચ્છા અહીં ભાવનગરમાં રહેવાની નથી. આ ધંધામાં આજ સુધી વૈતરું કર્યું પણ હવે અમદાવાદ જઈને મારે મારી રીતે ધંધો કરવો છે. જિગરને સારું શિક્ષણ પણ અમદાવાદમાં જ મળશે...'

જયેશ બોલતો હતો. રતિભાઈ, એમના પત્ની રંભાબહેન, સુરેશ અને સુધા - બધા સ્તબ્ધ થઈને સાંભળતાં હતાં.

'બાપા, તમે ચોખ્ખો અન્યાય કરો છો. અમે બે ભાઈઓ છીએ, છતાં તમને મોટા ઉપર વધુ લાગણી છે. આવો વેરો-આંતરો હવે સહન નથી થતો. મેં અને જ્યોત્સનાએ ફાઈનલ નિર્ણય કરી લીધો છે કે અહીં રહેવું નથી. આપણી મિલકતનું વેલ્યુએશન કરાવીને એમાંથી ભાગ અમને આપીને છૂટા કરી દો...'

ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ બાકીના બધા ડઘાઈ ગયાં હતાં. જ્યોત્સનાની જીદને લીધે જ જયેશે આવો નિર્ણય લીધો છે. એ બધાને સમજાતું હતું. વાતાવરણ તંગ હતું.

આઘાતનો આંચકો પચાવીને રતિભાઈએ જયેશ-જ્યોત્સના સામે જોયું. 'દીકરા, ત્રણ પેઢીથી આપણો બિઝનેસ ચાલે છે. ઘરમાં કોઈ ખોટ નથી. મને તો બંને દીકરાઓ ઉપર એક સરખી જ લાગણી છે, છતાં તમે આવું કેમ વિચારો છો ?'

'આમાં વિચારવા જેવું કંઈ નથી...' જયેશને બદલે જ્યોત્સના તાડૂકી. 'ઘરમાં શું ચાલે છે એ બધુંય અમને સમજાય છે. જેઠ-જેઠાણી શેઠ-શેઠાણીની જેમ વર્તે છે અને મારો વર બિચારો વાણોતરની જેમ વૈતરું કરે છે. આ ઘરમાં જાણે અમારું કોઈ સ્થાન જ નથી...' જીભ પરનો કાબૂ ગૂમાવીને જ્યોત્સના તુંકારા પર આવી ગઈ. 'બધા નિર્ણય સુરેશ અને સુધાડીના જ હોય છે ! એમનો દીકરો સુભલો જાણે રાજકુંવર અને અમારા જિગાને તો બધા તતડાવે- એ હવે સહન નથી થતું. વહેલી તકે - અઠવાડિયામાં ભાગ પાડીને ફેંસલો કરી નાખો... એ એમના રસ્તે, અમે અમારા રસ્તે!'

'જ્યોત્સના, બોલવામાં ભાન રાખ...' સુધાએ સમજાવ્યું. 'આ બધી તારી ગેરસમજ છે. તારો જિગર ભણવામાં અખાડા કરે તો એને ટોકવો પડે છે. સ્કૂલમાંથી ભાગીને પિક્ચર જોવા જાય ત્યારે એને ધમકાવવો તો પડે ને ?'

'તારી ચાલાકી હું સમજું છું...' જ્યોત્સના વિફરી. 'મારા દીકરા ઉપર તને દાઝ છે...' દાંત ભીંસીને એણે સુધા સામે હાથ લંબાવ્યો. 'એટલી ગળે આવી ગઈ છું કે રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે તારો એકનો એક દીકરો અર્ધી રાતે ફાટી પડે !'

'જ્યોત્સના, ચૂપ કર ! આવું બોલતાં તને શરમ નથી આવતી ?' રતિભાઈ ઉશ્કેરાઈને ઊભા થઈ ગયા. 'આ ઘરમાં આવી ભાષા ક્યારેય ના ચાલે, જયેશ ! કાલે જ જ્ઞાતિના પાંચ વડીલો અને વેલ્યુઅરને બોલાવીને કામ નિપટાવી દઈશું. તું લાયક નથી, છતાં દીકરો છે એટલે અડધા ભાગ જેટલી રકમ તને આપી દઈશ. એ પછી તમારા ત્રણેય માટે આ ઘરમાં કોઈ સ્થાન નથી!'

આ ઘટના બની ત્યારે સુભાષ અને જિગર પણ રૂમના ખૂણામાં બેઠાં હતાં.

બંગલો, બંને દુકાનો, માલનો સ્ટોક - બધાની ગણતરી પંચની હાજરીમાં વેલ્યુઅરે કરી. આ વાત વીસ વર્ષ અગાઉની છે એટલે મિલકતોનું કુલ મૂલ્ય સાંઈઠ લાખ નક્કી થયું. પંચની હાજરીમાં પાકું પેપરવર્ક કરીને રતિલાલે જયેશને ત્રીસ લાખનો ચેક આપી દીધો. પાંચ દિવસ પછી જયેશ-જ્યોત્સના અને જિગર અમદાવાદ રવાના થઈ ગયાં. જયેશે અમદાવાદના ફ્લેટની માગણી કરેલી, પણ રતિલાલે ચોખ્ખી ના પાડી એનો ડંખ જયેશે મનમાં રાખ્યો હતો.

પંખીની પાંખે બેસીને સમય પસાર થઈ રહ્યો હતો. સુરેશની સાથે હવે સુભાષે પણ બીજી દુકાન સંભાળી લીધી હતી. જયેશે મનમાં ડંખ રાખેલો એ એવો તીવ્ર હતો કે રતિલાલ અવસાન પામ્યા ત્યારે પણ એ ભાવનગર ના આવ્યો. માતા મૃત્યુ પામી ત્યારે પણ એ ના આવ્યો.

સુભાષે ધંધાની આંટીઘૂંટી આત્મસાત કરી લીધી હતી. દુકાન પર છૂટક દવાઓ વેચવાને બદલે પાંચ-છ પ્રતિષ્ઠિત કંપનીઓની ડિસ્ટ્રિબ્યુટરશીપ લઈને મોટા પાયે ધંધો કરવાની એની તમન્ના હતી. આ માટે ભાવનગરને બદલે અમદાવાદમાં વધુ મોટો મોકો મળે એવી એણે ગણતરી કરી લીધી હતી. એ એના માટે ચીવટપૂર્વક આયોજન કરી રહ્યો હતો.

અમદાવાદ જયેશ સાથે આ પરિવારે કોઈ સંપર્ક રાખ્યો નહોતો. ઊડતા સમાચાર મળતા હતા કે જયેશે ફ્લેટ ખરીદ્યો છે, કાર વસાવી છે અને શેરબજારમાંથી કમાય છે. બાપાના પૈસે જિગર એના મિત્રો સાથે જલસા કરે છે.

પોતાના પચીસમા જન્મદિવસે સુભાષે માતા-પિતાને પોતાની યોજના સમજાવી. પાકી ગણતરી સાથે એણે કહ્યું કે અમદાવાદમાં આપણો ફ્લેટ તો છે જ. દવાબજારમાં એક ઓફિસ ભાડે રાખીને ધંધો શરૂ કરીશ. પાંચેક કંપનીઓ સાથે વાત કરી લીધી છે. વધુ મૂડીની જરૂર પડશે પણ આપણી બીજી દુકાન ગગુભા ગોહિલ આપણે કહીએ એ ભાવે ખરીદવા તૈયાર છે. બાપા, તમે અહીંની એક દુકાન સંભાળજો, હું અમદાવાદમાં હોલસેલનું કરીશ.

સુભાષની સૂઝ સમજ ઉપર સુરેશને પૂરો ભરોસો હતો. એણે સંમતિ આપી અને અમદાવાદના ભાડવાતને ફલેટ ખાલી કરવાનું કહી દીધું. સુભાષ અમદાવાદ પહોંચી ગયો. ત્રણ વર્ષની એની મહેનત ફળી.

હવે એની પોતાની ઑફિસ હતી અને ત્રણ માણસનો સ્ટાફ હતો.

એક સવારે અચાનક અમદાવાદથી જ્યોત્સનાનો ફોન આવ્યો. એણે રડીને સુરેશને જણાવ્યું કે આજે પરોઢિયે જયેશ મૃત્યુ પામ્યો છે ! ઝઘડો કરીને ગયેલા ભાઈ માટે લાગણી તો શું હોય ? છતાં મોટું મન રાખીને સુરેશ જવા માટે તૈયાર થઈ ગયો. જ્યોત્સનાએ જે શબ્દો કહ્યાં હતાં એ સુધાના હૈયામાં તો શિલાલેખની જેમ કોતરાઈ ગયાં હતાં. એની ઇચ્છા નહોતી, પણ સુરેશે સમજાવીને એને સાથે લીધી. બંને અમદાવાદ ગયાં અને જયેશની અંતિમ વિધિમાં સહભાગી બન્યાં. એમને જોઈને જ્યોત્સના ખૂબ રડી. હદ બહારનું દેવું કર્યા પછી એ ચૂકવવાની શક્તિ નહોતી એટલે જયેશે આત્મહત્યા કરી હતી !

સુભાષની કમાણી જોરદાર હતી અને કુટુંબ પ્રતિષ્ઠિત હતું એટલે અનેક કન્યાઓના મા-બાપ સુરેશ-સુધાને મળવા આવતાં હતાં. સુધા વારંવાર સુભાષને ફોન કરીને કન્યાઓની જાણકારી આપતી હતી, પણ બે વર્ષ પછી એમ કહીને સુભાષ વાત ટાળતો હતો.

છ મહિના પછી ઊડતા સમાચાર મળ્યા એટલે સુધાની કમાન છટકી. એણે ફોન કરીને સુભાષને ભાવનગર બોલાવ્યો.

સુભાષ આવ્યો ત્યારે સુરેશ અને સુધા એની રાહ જોઈને જ બેઠાં હતાં.

'સુભલા, સાચું બોલજે...' સુધાએ સખ્તાઈથી પૂછ્યું. 'તેં જયેશ-જ્યોત્સનાના જિગરીયાને નોકરીમાં રાખ્યો છે ? એ કાળમુખી કેવું બોલી હતી એ તું ભૂલી ગયો ?'

'તમે સાચું સાંભળ્યું છે...' સુભાષે શાંતિથી કહ્યું. 'જયુકાકાનો ફ્લેટ અને ગાડી બધુંય બેન્કવાળા લઈ ગયા છે. એ મા-દીકરો એક ઓરડીમાં ભાડે રહે છે...'

'પણ તારે એમની દયા ખાવાની શી જરૂર ? આપણી સાથે ઝઘડો કરીને વેર બાંધીને ગયેલી એ સ્ત્રીના દીકરાને નોકરી આપવાનું ડહાપણ કેમ કર્યું ?' સુધાએ ચિડાઈને પૂછ્યું.

'મારી વાત સમજો...' મા-બાપ સામે જોઈને સુભાષે સમજાવ્યું. 'હું અડધી રાત્રે ફાટી પડું એવું જે સ્ત્રીએ કહેલું એ મારી ઓફિસમાં આવીને મારી સામે હાથ જોડીને કરગરી. ભીની આંખે એણે કહ્યું કે આ જિગલો સરખું ભણ્યો નથી, એને ક્યાંય નોકરી મળતી નથી. ચારસો રૂપિયા રોજથી સિક્યોરિટીમાં જાય છે, ત્યાં મહિનામાં પંદર-વીસ માંડ કામ મળે છે. બેટા, બે ટાઈમ રોટલાના પણ ફાંફા છે... તું આ જિગલાને તારી ઓફિસમાં પટાવાળા તરીકે તો રાખી લે... એ રડીને કરગરતી હતી અને મેં સોળ હજારના પગારે જિગલાને પટાવાળા તરીકે નોકરી આપી દીધી...'

સહેજ અટકીને સુભાષે ઉમેર્યું. 'તને ગાળો દેનારી, મારા મૃત્યુની કામના કરનારી સ્ત્રીએ હાથ જોડીને-રડીને મને કરગરવું પડે - એનાથી મોટી સજા કઈ હોય ? હું ખુરસી પર બેસું અને એનો દીકરો નીચું જોઈને મારી સામે ઊભો રહે, પાણી આપે, ચા લઈ આવે - એનાથી મોટો બદલો કયો હોઈ શકે ? એક સમયે દરેક વખતે મારી સાથે ટણી કરનારો જિગલો નીચી મૂંડીએ મારા ઓર્ડરનું પાલન કરીને સતત દોડતો રહે - એ પણ વેર વાળ્યું જ કહેવાય ને ? ગોળથી મરનારાને ઝેર ના અપાય એ તો તમે સમજો છો ને ?'

સુભાષ બોલતો હતો. સુરેશ અને સુધા સમજદાર દીકરા સામે સ્નેહથી જોઈ રહ્યાં હતાં.

(શીર્ષક પંક્તિ : લેખક)